એક પુલ, એક તળાવ તૂટ્યા, ત્રણ પુલ ઉપરથી બે ફૂટ ઉંચાં પાણી વહ્યાં
નીચાણવાળાં વિસ્તારોમાં ભરાયાં પાણી : એક મકાન પણ તણાયું : બે મકાન ધસી પડ્યાં : અસરગ્રસ્તો માટે શરૂ કરાયો રાહત કેમ્પ

વરસાદ ગાંડોતૂર બનતાં ભુજની ભાગોળે આવેલું માધારપ ગામ પણ મેઘના કહેરથી બાકાત રહ્યું ન હતું. નવાવાસ તથા જૂનાવાસ બન્ને વિસ્તારોમાં ભારે નુકસાની સાથે લોકોના ઘરોમાં પાણી ભરાયાં તે સાથે નદીકાંઠાના મકાનો ધસી પડ્યાં હતાં. નવાવાસ વચ્ચેથી પસાર થતી પાડ નદી માધાપરના ઈતિહાસમાં પ્રથમવાર આટલી ગાંડીતૂર બનેલી જોવા મળી હતી. પાણીની સપાટી નદી પરના તમામ પુલોને ઓળંગી ભયાનક સ્થિતિએ પહોંચી હતી. નદી પરના તમામ પુલો ર ફૂટ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તો મફતનગરર નજીકનો પુલ તૂટી પઢયો તેમજ વથાણ નજીકના પુલની રેલિંગ ભારે વારસદથી તૂટી પડી હતી.

તાજેતરમાં બનેલું જૂના રાજા તળાવ ફટતાં તેનું પાણી પણ નવાવાસની એમ.એસ.વી. હાઇસ્કૂલ વિસ્તારમાં ફરી વળતાં ઉંચાણવાળા ઘરોમાં પણ પાણી ઘૂસ્યાં હતા. તો જૂનાવાસમાં નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાતાં લોકોને ઘર ખાલી કરાવાયાં હતાં. તો નવાવાસમાં નદીકાંઠે દબાણમાં બનાવેલા મોટાભાગના મકાનો ધસી પડ્યાં હતાં તેમજ તાબડતોબ ગામની લોહાણા સમાજવાડી તથા કન્યાશાળામાં આશરો અપાયો છે તથા રાહત કેમ્પ ચાલુ કરી નાસ્તા તથા જમવાની વ્યવસ્થા પણ કરાઇ છે.

સમગ્ર ગામ જળબંબાકાર બનતાં લોકોની સ્થિતિ કફોડી બની હતી. લોકોના ઘરોમાં ૪ ફૂટ સુધી પાણી ભરાયાં સાથે મોટી નુકસાની પહોંચી છે. રણકો, ગરવાવાસ, હાઇસ્કૂલ વિસ્તાર, પટેલવાડી, કોલીવાસ, હંસનગર, નીલકંઠ, સોસાયટી વગેરે વિસ્તારોમાં તળાવમાં ફેરવાયા હતા. નવાવાસ વચ્ચેથી પસાર થતી નદી પરના પુલો પરથી ગાંડાતૂર પાણીનો પ્રવાહ પસાર થતાં ગ્રામજનોના ટોેળેટોળાં આ અકલ્પનીય ર્દશ્ય જોવા ઉમટયાં હતાં. નવાવાસ ગ્રામ પંચાયત પાસેનો પુલ સૌથી વધુ ઉંચાઇ પરનો પુલ છે. તેની ઉપરથી પણ પાણી ઓવરફલો થઇ પસાર થયા હતા. પરિણામે ગ્રામ પંચાયત નજીકનો તમામ વિસ્તાર જળબંબાકાર બન્યો હતો અને પ ફૂટ ઉંચી આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયાં હતાં.

ગાયો તણાઇ તથા નદી પ્રવાહમાં મકાન તણાઇ ગયું


ગાંડીતૂર બનેલી નદીમાં પ ગાયો તણાઇ ગઇ હતી તો કાંઠે બનાવેલું એક મકાન પણ તણાઇ ગયું હતું. એક પણ ઘરવખરી ન બચતાં પરિવાર નોંધારો બની ગયો હતો.

અસરગ્રસ્તારના ઘેર-ઘેર જઇ મદદ પહોંચાડાઇ

ગામના અસરગ્રસતો રાહતકેમ્પમાં આશરો અપાયા સાથે રામવાડી જેવા વિસ્તારોમાં નવાવાસ, જૂનાવાસ, ગ્રામ પંચાયત, દાતા તથા લોહાણા સમાજવાડી દ્વારા ઘેર-ઘેર જઇ મદદ પહોંચાડાઇ હતી, તેવું દિનેશ ઠક્કરે જણાવ્યું હતું.

દબાણો થકી અવરોધાતાં ભયાનક સ્થિતિ સર્જાઇ

વથાણ પાસેના વહેણ તેમજ સ્પોર્ટસ ક્લબથી પોલીસચોકી પાસેના પુલ સુધી નદીકાંઠા પર વધુ પડતાં દબાણો થકી નદીનો પ્રવાહ અવરોધાયો છે. પરિણામે માધાપરમાં પાણીનો કહેર લોકોને સહન કરવો પડયો હોવાનો લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. અવારનવાર દબાણો હટાવવા માગણી કરવા છતાં કામગીરી ન કરાતાં આજે ભયાનકતા લોકોએ સહન કરવી પડી હતી.

શોરૂમ - દુકાનોમાં પાણી ફરી વળતાં લાખોનું નુકસાન

નવાવાસની મુખ્ય બજારમાં આવેલા કેટલાક શોરુમ પાંચ ફૂટની ઉંચાઇ હોવા છતાં પાણીના કહેરથી બચી શક્યા ન હતા. રેડીમેઇડ, ગારમેન્ટના શોરૂમ ઉપરાંત કરિયાણા, મેડીકલ સ્ટોર, મીઠાઇની દુકાનોમાં પાણી ઘુસતાં લાખોનું નુકસાન થયું હોવાનો વેપારીઓએ અંદાજ કાઢયો હતો.

વાહનો તણાઇ ગયાં

નદી કાંઠે અને પુલ પાસે પાર્ક કરાયેલી સાતેક બાઇક, સુમો અને મારુતિ જેવા ફોરવ્હીલર્સ પાણીના ધસમસતા પ્રવાહની લપેટમાં આવતાં નદીમાં તણાઇ ગયા હતા.

મુખ્ય ડીપી ધરાશાયી થતાં અંધારપટ

નદીના કાંઠે આવેલી ગામની મુખ્ય ડીપી ધરાશાયી થવાથી આખા ગામનો વીજપુરવઠો ખોરવાયો હતો. જેના કારણે અંધાર પટ છાવાઇ ગયો હતો. વરસાદ બંધ થતાં તેનું સમારકામ હાથ ધરાશે તેવી ગણતરીએ જો ડીપી કાર્યરત થાય તોયે હજુ બે દિવસ માધાપરવાસીઓને વીજ વિહોણા રેહેવું પડે તેવી શક્યતા છે.