મથુરામાં ખેલ ખેલી આવ્યા

મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા
સાડી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
નાકની નથણી ક્યાં મૂકી આવ્યા
વાળી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
ડોકનો હારલો ક્યાં મૂકી આવ્યા
માળા તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
હાથની પહોંચી ક્યાં મૂકી આવ્યા
કંગન તે કોના ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
પગનાં ઝાંઝરા ક્યાં મૂકી આવ્યા
સાંકળા તે કોના ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
પીળુ પીતાંબર ક્યાં મૂકી આવ્યા
સાળુ તે કોના ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
કાનના કુંડળ ક્યાં મૂકી આવ્યા
એરિંગ તે કોના ચોરી લાવ્ચા
હો કાન ક્યાં રમી આવ્યા
મુખની મોરલી ક્યાં મૂકી આવ્યા
ખંજરી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મનડું તમારું ક્યાં મૂકી આવ્યા
સુધબુધ તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
---------------------------------------------------------------------------------------------------------

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ
વેળા બપોરની થઇ’તી મોરી સૈયર,
વેળા બપોરની થઇ’તી રે લોલ
ચૈતરનું આભ સાવ સુનું સુનું તોયે
કંઇથી કોકિલ કંઠ બોલે રે લોલ
વનની વનરાઇ બધી નવલી તે કુંપળે
દખ્ખણને વાયરે ડોલે રે લોલ
જેની તે વાટ જોઇ રઇ’તી મોરી સૈયર
તેની સંગાથે વાટ વઇ’તી રે લોલ
સુકી મેં વીણી કંઇ ડાળી ને ડાખળી
સુકા અળૈયા ને વીણ્યા રે લોલ
લીલી તે પાંદળીમાં મેહકંતા ફૂલ બે
મારે અંબોડલે સોહ્યા રે લોલ
વક્ત્રક્ત વહેણમા ન’ઇતી મોરી સૈયર
વક્ત્રક્ત વહેણમા ન’ઇતી રે લોલ
ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ
વેળા બપોરની થઇ’તી મોરી સૈયર,
વેળા બપોરની થઇ’તી રે લોલ
---------------------------------------------------------------------------------------------------------

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો
આજ અમે ગ્યા’તા સોનીડાને હાટ જો
આ ઝાલઝૂમણા વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં
હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો
આજ અમે ગ્યા’તા મણિયારાને હાટ જો
આ ચૂડલડો ઉતરાવતાં, વ્હાણલાં વાહી ગયાં
હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો
હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો
આજ અમે ગ્યા’તાં કસુંબીને હાટ જો
આ ચૂંદલડી વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં
હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો
આજ અમે ગ્યા’તાં મોચીડાને હાટ જો
આ મોજડિયું મૂલવતાંને, વ્હાણલાં વાહી ગયાં
હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો
---------------------------------------------------------------------------------------------------------

વા વાયા ને વાદળ ઊમટ્યા

વા વાયા ને વાદળ ઊમટ્યા
ગોકુળમાં ટહુક્યા મોર
મળવા આવો સુંદિરવર શામળિયા
તમે મળવા ન આવો શા માટે
તમે મળવા ન આવો શા માટે
ન આવો તો નંદજીની આણ
મળવા આવો સુંદિરવર શામળિયા
તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે છો સદાયના ચોર
મળવા આવો સુંદિરવર શામળિયા
તમે કાળી તે કામળી ઓઢંતા
તમે કાળી તે કામળી ઓઢંતા
તમે ભરવાડણના ભાણેજ
મળવા આવો સુંદિરવર શામળિયા
તમે વ્રજમાં તે વાંસળી વાજંતા
તમે વ્રજમાં તે વાંસળી વાજંતા
તમે ગોપીઓના ચિત્તચોર
મળવા આવો સુંદિરવર શામળિયા
મેતા નરશીના સ્વામી શામળિયા
મેતા નરશીના સ્વામી શામળિયા
અમને તેડી રમાડ્યા રાસ
મળવા આવો સુંદિરવર શામળિયા
વા વાયા ને વાદળ ઊમટ્યા
ગોકુળમાં ટહુક્યા મોર
મળવા આવો સુંદિરવર શામળિયા
---------------------------------------------------------------------------------------------------------

ઊંચી તલાવડીની કોર

ઊંચી તલાવડીની કોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો
બોલે અષાઢીનો મોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો
ગંગા જમની બેડલું ને કીનખાબી ઇંઢોણી
નજર્યું ઢાળી હાલું તો ય લાગી નજર્યું કોની
વગડે ગાજે મુરલીના શોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો
ઊંચી તલાવડીની કોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો
ભિંજે ભિંજે જાય મારા સાળુડાની કોર
આંખ મદિલી ઘેરાણી જાણે બન્યું ગગન ઘનઘોર
છાનો મારે આ સુનો દોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો
ઊંચી તલાવડીની કોર
પાણી ગ્યા’તાં પાણી ભરતા રે જોયો સાહ્યબો