"કર્મકૌશલ શીખીએ"

સંસાર કર્મભૂમિ છે.

આ સંસારની રચના કલ્પવૃક્ષ જેવી નથી કે જે કંઈ આપણે ઈચ્છીએ તે તરત જ મળી જાય. આ કર્મભૂમિ છે, જયાં દરેકને પોતાનો માર્ગ પોતે બનાવવો પડે છે. પોતાની યોગ્યતા અને વિશેષતાઓનું પ્રમાણ આપ્યા વિના કોઈ પણ વ્યક્તિ મહત્વપૂર્ણ સ્થાન પર પહોંચતી નથી. અહીં દરેકને પરીક્ષાની આગમાં તપાવવામાં આવે છે અને આ કસોટીમાં જે સાચો ઠરે છે તેને જ પ્રામાણિક અને વિશ્વસનીય માનવામાં આવે છે.

કર્મવીર માટે જરૂરી.

શુભ કાર્યો કરનાર તથા ઉન્નતિ અને વિકાસ તરફ આગળ વધનારની સમક્ષ એક જ માર્ગ છે કે તેમણે દ્રઢતાપૂર્વક પોતાના લક્ષ્ય તરફ નિરંતર ગતિશીલ રહેવું. એકવાર શુભ લક્ષ્ય અને શ્રેષ્ઠ માર્ગ પસંદ કર્યા પછી તેના તરફ નિરંતર આગળ વધતા રહેવું કર્મવીર માટે જરૂરી છે.

પોતાનાં કર્મોને ઓળખો.

દુષ્કર્મ કરવું હોય તો તે કરતાં પહેલાં અનેકવાર વિચારો અને તે આજને બદલે કાલ-પરમ દિવસ પર છોડી દો, પરંતુ જો શુભ કાર્ય કરવું હોય તો પ્રથમ તબક્કે જ ભાવના તરંગોને કાર્યાન્વિત થવા દો. કાલના કામને આજે જ પતાવી દેવા પ્રયત્ન કરો. પાપ તો રોજ જ પોતાની જાળમાં આપણને ફસાવી દેવા ફરતું હોય છે, પણ પૂણ્ય તો કોઈકવાર જ જન્મે છે. જો તેને નિરાશ કરીને પાછું ઠેલી દીધું તો કોણ જાણે ફરી તે ક્યારેય આવશે.

કોઈના વિના પણ કામ ચાલી શકે છે.

મારા લીધે બીજાનું ભલું થયું એમ વિચારવું મૂર્ખતા છે. આપણા વગર સંસારનું કોઈ કામ અટકી રહેતું નથી. આપણા જન્મ્યા પહેલાં સંસારનાં બધાં જ કામ યોગ્ય રીતે ચાલતાં હતાં અને આપણા પછી પણ તે ચાલતાં જ રહેશે. પરમાત્મા એટલો લાચાર નથી કે આપણી મદદ વિના સૃષ્ટિનું કામ ચલાવી ન શકે.

એવો કોઈ નિયમ નથી.

એવો કોઈ નિયમ નથી કે તમે સફળતાની આશા રાખ્યા વિના, અભિલાષા કર્યા વિના, તેના માટે દ્રઢ પ્રયત્નો કર્યા વિના સફળતા મેળવી શકો. દરેક ઊંચી સફળતા માટે પહેલાં દ્રઢ આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. તેના વિના કદી સફળતા મળતી નથી. ભગવાનના આ નિયમબદ્ધ અને શ્રેષ્ઠ વ્યવસ્થાપૂર્ણ જગતમાં ભાગ્યને માટે કોઈ સ્થાન નથી.

એવા વિચાર ન કરો.

એવો વિચાર ન કરો કે મારું ભાગ્ય તેમને જ્યાં ત્યાં ભટકાવી રહ્યું છે અને આ રહસ્યમય ભાગ્યની સામે મારું શું ચાલી શકે? તેને મનમાંથી કાઢી નાંખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભાગ્ય કરતાં મનુષ્ય મહાન છે અને બહારની કોઈ પણ શક્તિની તુલનામાં તેનામાં પ્રચંડ શક્તિ મોજૂદ છે. આ વાતને જયાં સુધી તે નહિ સમજે ત્યાં સુધી તેનું કલ્યાણ કદાપિ શક્ય નથી.
--------------------------------------------------------------------------------------------------
"આધ્યાત્મિક દ્રષ્ટકોણ અપનાવીએ"

અધ્યાત્મમાં “શોર્ટકટ” નથી.

અધ્યાત્મમાં શોર્ટકટ શોધવાની ઉતાવળ કોઈએ પણ ન કરવી જોઈએ. માથા પર હાથ મૂકીને કુંડલિની જગાડનારા, આંખો બંધ કરીને ભગવાનનાં દર્શન કરાવનારા, મંત્રતંત્રના બદલામાં રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરાવનારા લોકોથી દૂર રહો. લાંચ, ખુશામત દ્વારા ભગવાનને છેતરવાની તથા પટાવવાની તુક્કાબાજી જેટલી જલદીથી ખતમ થઈ જાય તેટલું ઉત્તમ છે. એમાં કપટજાળ સિવાય વાસ્તવિકતાનું નામનિશાન પણ નથી.

આપો અને મેળવો” અધ્યાત્મનો સિદ્ધાંત

હીરા અને સોનાનાં ઘરેણાં મફતમાં નથી વહેંચાતાં. પંચામૃત કે તુલસીપત્ર જ પ્રસાદમાં મળે છે. માળા ફેરવવા અને અગરબત્તી સળગાવવાના બદલામાં કોઈપણ મનોકામનાઓ પૂરી કરી શકે એવાં દેવીદેવતા હજી સુધી જન્મ્યાં નથી. બેંક લોન આપતી વખતે આપણી પરિસ્થિતિ વિશે પૂછે છે અને તપાસ કરે છે કે પૈસા શા માટે માંગવામાં આવે છે? ક્યા કામ માટે તેનો ખર્ચ થશે? દેવતાઓ પાસે આવી બેંક નથી, જેનાથી પત્રપુષ્પના બદલામાં અથવા દર્શન કરવા માત્રથી કોઈ ધન્ય બની જાય. સંસારના ક્ષેત્રની જેમ જ અધ્યાત્મના ક્ષેત્રમાં પણ ખરીદ-વેચાણનો વ્યવહાર ચાલે છે. આ વાસ્તવિકતા જેટલી જલદી સમજાય તેટલું સારું.

આત્માનો પ્રકાશ

આત્મા માટે જે પ્રકાશ પ્રાપ્ત કરવા યોગ્ય તે છે, એકતાનો, અદ્વૈતનો પ્રકાશ. જે આત્મા જેટલો પોતાનાં – પારકાં, મારા-તારાના ચક્કરમાં છે, બીજાઓને પોતાનાથી જેટલા ભિન્ન માને છે તે એટલો જ દુ:ખી હોય છે. તેને બીજાથી ભય અને સંશય રહે છે. પ્રેમનું મિલન જેટલું વધે છે, એટલું જ દ્વૈત સમાપ્ત થવા લાગે છે, જે અનેક પ્રકારની શંકાઓ અને ઉદ્વૈગનું મૂળ છે.

બાકી વધેલા જીવનનો સદુપયોગ કરો

જે સમય વીતી ગયો, તે જો અયોગ્ય રહ્યો હોય તો પણ હજી એક શક્યતા છે કે બાકીના સમયનો સદુપયોગ કરીને અગાઉ થઈ ગયેલ અનર્થનું શુદ્ધિકરણ કરવામાં આવે. સુરદાસ, તુલસીદાસ, આમ્રપાલી, અંગુલીમાલ, અજામિલ, અશોક વગેરે શરૂઆતમાં ખૂબ ખરાબ હતા, પણ વિવેક જાગૃત થયા પછી તેઓ સુધરી ગયા. પાછળથી અપનાવવામાં આવેલ શ્રેષ્ઠતા એટલી તો સમર્થ હોય છે કે તેનાથી અગાઉ ના દોષો તથા પાપોને દબાવી શકાય છે. ઊર્ધ્વગામી બનવાનો નિશ્ચય કરી લઈએ તો દેવતાઓ હાથ લંબાવવામાં કે ડૂબતાને બચાવી લેવામાં કોઈ કસર રાખતા નથી. ઊર્ધ્વગામીઓને ભગવાને સહારો આપ્યો છે. દિવ્ય જીવન જીવવાનો સંકલ્પ કરનારને, સાહસ કરીને મોટી છલાંગ મારવા માટે તૈયાર લોકોમાંથી કોઈને પણ અધવચ્ચે ડૂબવું પડવું નથી.

ભૂલ સુધારીએ

આત્માની તુલનામાં શરીરનું મુલ્ય ઓછુ છે, તે જ રીતે ભાવનાત્મક સશક્તતાની તુલનામાં ભૌતિક સમૃદ્ધિ તુચ્છ છે. ભૌતિક ઉન્નતિ માટેના મોટામાં મોટા પ્રયોગો પણ ત્યાં સુધી તેના કરતાં અનેકગણા પ્રયત્નો આંતરિક વિકાસ માટે ન કરવામાં આવે. આજે આપણી સૌથી મોટી ભૂલ આજ છે. એની આવશ્યકતાનું મૂલ્ય ઓછું આંકીને આપણે ધાણીના બળદની જેમ ખૂબ પરિશ્રમ કરવા છતાં કોઈ મોટી મંજિલને પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી નથી. હવે એ સમય આવી પહોંચ્યો છે કે તે ભૂલને સુધારી લેવા માટે આપણે વિલંબ કર્યા વગર કટિબદ્ધ થઈ જવું જોઈએ.

દિવ્ય આત્મા કોણ ?

પરમાર્થ પ્રયોજનો માટે ઘણું બધું કરી છૂટવાની અભિલાષા એક એવું તત્વ છે કે જેને ઈશ્વરનો પ્રકાશ કે પૂર્વજન્મોના સંચિત ઉત્કૃષ્ટ સંસ્કારો કહી શકાય. જેના હૃદયમાં ઈશ્વરનાં કાર્યોમાં સહયોગી બનવાની જેટલી લગની છે કે તે એટલો જ દિવ્ય આત્મા છે. તડપ પાણીના ઝરણાં જેવી છે, જે પહાડ જેવી કઠોરતાને પણ ચીરીને બહાર આવી જાય છે. સામાન્ય સ્થિતિના લોકો પણ યોગ્ય અવસરે પોતાની તડપને કાર્યમાં ઉતારવાનું સાહસ કરે છે ત્યારે તે સાહસ જ તેને ઈશ્વરીય અવતરણના રૂપમાં સૂર્ય અને ચન્દ્રની જેમ ચમકાવી દે છે. તડપ પેદા થવાનું કારણ અવતરણ છે.

વિટંબણા તો નથી

આ એક વિટંબણા જ છે કે દુનિયાભરનું જ્ઞાન મેળવવાની લાલસા રાખનાર વ્યક્તિ જ્ઞાની અને વિદ્વાન હોવાનો દાવો તો કરે છે, પરંતુ એને એટલું પણ જ્ઞાન નથી કે તે પોતે કોણ છે ? શા માટે તે આવ્યો છે ? શું કરવાનું છે અને ક્યાં જવાનું છે ? આ આત્મ વિસ્મૃતિના કારણે તે અટવાતો રહે છે, ભુલભુલામણીમાં ભટકતો, અભાવનાં રોદણાં રડતો ગમે તેમ કરીને તે દિવસો વિતાવે છે.

મનીષી બનો, પરંતુ શુદ્ધ અંત:કરણવાળા

જેનું મન પોતાના વશમાં હોય, જે મનની ઈચ્છા પ્રમાણે ચાલતો નથી, પરંતુ પોતાના વિચારો દ્વારા મનને ચલાવે છે તેને મનીષી કહે છે તથા એવી પ્રજ્ઞાને મનીષા કહેવામાં આવે છે. શાસ્ત્રકારનું કથન છે કે ‘મનીષિ અસ્તિ યેષાં તે મનીષાન:’ પરંતુ સાથે સાથે એમ પણ કહ્યું છે કે ‘મનીષિ નાસ્તુ ભવન્તિ પાવનાનિ ન ભવન્તિ’ અર્થાત્ મનીષી તો ઘણા હોય છે, પણ ઘણા બુદ્ધિશાળી હોય છે, પરંતુ તેઓ પાવન હોય, પવિત્ર હોય એવું હોતું નથી. પ્રતિભાશાળી તથા બુદ્ધિમાન હોવું તે એક વાત છે અને પવિત્ર તથા શુદ્ધ અંત:કરણવાળા બુદ્ધિમાન હોવું તે જૂદી વાત છે.

ધર્મશીલ બનો.

જે ધર્મની રક્ષા કરે છે તેની રક્ષા થાય છે અને જે ધર્મને મારે છે તેને ધર્મ જ મારી જ નાખે છે. અધર્મના માર્ગે ચાલીને આજ સુધી કોઈ મહાન બન્યો નથી કે નથી સુખશાંતિથી રહી શક્યો. આગળ ઉપર પણ આ જ ક્રમ ચાલવાનો છે. આપણે સારા મનુષ્ય બનવું જોઈએ, પ્રામાણિક મનુષ્ય બનવું જોઈએ અને સશકત બનવું જોઈએ. શક્તિ, પ્રામાણિકતા અને વ્યવસ્થા આ ત્રણેય ધર્મના જ ગુણ છે. વ્યક્તિનો સમગ્ર વિકાસ જ ધર્મનો ઉદ્દેશ્ય છે.
--------------------------------------------------------------------------------------------------
"દેવોને ૫ણ દુલર્ભ એવું માનવજીવન "

મનુષ્ય પોતે શું છે ? જીવનનું સ્વરૂ૫ અને ઘ્યેય શું છે ? જીવન સાથે જોડાયેલી વિભૂતિઓનો સાચો ઉ૫યોગ શું છે ? આ બધા પ્રશ્નોની અવગણના કરવાથી એક પ્રકારની આત્મવિસ્મૃતિ છવાયેલી રહે છે. અંતઃકરણ મૂર્છિત રહે છે અને જીવનની કોઈ ચોક્કસ નીતિ, ઘ્યેય કે દિશા નક્કી કરી શકાતી નથી. ઈન્દ્રિયોની ઉત્તેજના જ પ્રેરણા બની રહે છે. ૫રં૫રાગત રૂઢિઓનું અનુકરણ કરવું તે આ૫ણો સ્વભાવ બની જાય છે. પોતાના અભિમાનને સંતોષવાની લાલસામાં જ કહેવાતી પ્રગતિ માટે માનવ વલખાં મારતો રહે છે. સંસારના નિમ્ન કોટિના જીવજંતુઓની જેમ જ મનુષ્ય ૫ણ સં૫ત્તિ અને સંતતિ માટે જીવતો હોય છે અને દહાડા પૂરા કરતો રહે છે. કપાયેલી ૫તંગ અને ડાળીથી તૂટેલાં પાંદડાં હવાના સપાટા સાથે દિશાવિહીન બની આમતેમ ઊડતાં રહે છે. જીવનમાં કોઈ ઉચ્ચ આદર્શ કે તેને પ્રાપ્ત કરવાની દિશામાં કોઈ મહત્વનાં કાર્યો નહીં થતાં હોવાના કારણે મનુષ્ય જીવનના આનંદનો લહાવો લઈ શક્તો નથી. આમ જ રોદણાં રોતાં રોતાં આખું જીવન વ્યતીત થઈ જાય છે. કેટલીકવાર તો અતિશય સુખ અને ભોગ વિલાસની મહેચ્છામાં નીતિ, મર્યાદા, યોગ્યતા અને વિવેકને અભરાઈ ૫ર ચઢાવી દઈ મનુષ્ય એવા ખરાબ રસ્તે ચઢી જાય કે જેમાં પોતાને નુકશાન તો થાય છે જ સાથે સાથે તેની સાથે સંલગ્ન વ્યક્તિઓને અને આખા સમાજને ૫ણ નુકસાન થાય છે.

બાહ્ય જ્ઞાનની જેમ અંતઃજ્ઞાન ૫ણ જરૂરી છે. વિવિધ સુખો૫ભોગનાં સાધનો ભોગવનારે હંમેશાં વિવેકપૂર્ણ રહેવું જોઈએ, નહીં તો ક્યારેક એવું બને કે સુખસગવડતનાં સાધનોનો દુરુ૫યોગ જ થશે જેના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ અને મૂંઝવણો ઊભી થશે, ભૌતિક જ્ઞાન કરતાં ૫ણ વધારે જરૂરિયાત આત્મજ્ઞાનની છે. સારી મોટર ખરીદવાની સાથે સાથે સારા ડ્રાઈવરની ૫ણ વ્યવસ્થા કરવી જોઈએ, નહિ તો ક્યારેક ૫ગે ચાલવા કરતાં ૫ણ વધારે મુશ્કેલી અનાડી ડ્રાઈવર દ્વારા ચલાવવામાં આવતી મોટરમાં બેસવાથી થાય છે.

જો આત્મજ્ઞાનની જરૂરીયાત અનુભવી શકાય તો સૌથી ૫હેલાં એ વિચાર કરવો જોઈએ કે આ૫ણે શું છીએ ? આખરે આ૫ણે જીવીએ છીએ શા માટે ? આ બાબત ૫ર આત્મવેત્તા મહાન વિદ્વાનોએ જે નિચોડ કાઢયો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ નિષ્કર્ષને ભારત દેશના લોકોએ અ૫નાવ્યો અને તેના આધારે તેમણે સર્વતોમુખી પ્રગતિ સાધી હતી.

અણું શું છે ? સુવિકસિત, સુંદર પદાર્થનો એક નાનામાં નાનો કણ (ઘટક) છે. આત્મા શું છે ? પરમાત્માની સત્તાનો એક નાનકડો અંશ છે. અણુનું પોતાનું અલગ અસ્તિત્વ છે, પરંતુ જે શક્તિને કારણે તેનું અસ્તિત્વ છે તથા તેની જે ક્રિયાઓ થઈ રહી છે તે વ્યાપક શક્તિતત્વથી અલગ નથી. એવી જ રીતે જીવાત્માનું અસ્તિત્વ અને સ્વરૂપ પણ વ્યાપક ચેતનાઓ એક અંશમાત્ર છે.

આધ્યાત્મવાદના આ સિદ્ધાંતના આધારે છેવટે એક સાર કાઢી શકાય છે કે ‘આપણે વિશ્વચેતનાનો એક અંશમાત્ર છીએ. સમષ્ટિની આધારભૂત સત્તા છીએ. આપણે તો માત્ર તેની એક નાનકડી ચિનગારી જ છીએ’. ઐક્ય શાશ્વત છે જ્યારે અલગતા કૃત્રિમ છે. બધામાં આપને અને આપણામાં બધાને જોવા, સમજવાં, માનવાં જોઇએ. બધાના હિતમાં આપણું હિત સમાયેલું છે. સહુના સુખે સુખી, સૌના દુઃખે દુઃખી, તેમની પ્રગતિ એ આપની પ્રગતિ, અધોગતિ એ આપણી અધોગતિ એમ માનીને ચાલવાથી સુખની પરિભાષા સંકુચિત ન રહેતાં વિશાળ બની જાય છે. પોતે જ સુખી બનવાની ક્ષુદ્રતા ઘટે છે અને વ્યાપક ક્ષેત્રમાં સુખશાંતિ વધારવાની યોજના ઘડાય છે.

પોતીકાપણાની ભાવના હંમેશા મનુષ્યને ખૂબ પ્રિય લાગે છે. આ ભાવના જે પ્રાણી કે પદાર્થ સાથે જોડાય છે તે સ્વજન ખૂબ જ પ્રિય લાગવા માંડે છે. પોતીકપણાનો ઘેરાવો જો સંકુચિત હોય તો તેમાં પોતાની તથા પોતાના પરિવારની જ સુખસગવડોનો વિચાર કરવામાં આવે છે. એ નાનકડું ક્ષેત્ર જ આપણું લાગે છે અને એમાં જ આપણી પ્રિયતાની સીમા મર્યાદિત થઈ જાય છે. આ ક્ષેત્ર જેટલું વિશાળ હશે તેટલી પ્રેમની સીમા વિસ્તરતી જશે. બધાં પોતાનાં લાગવા માંડશે તો “વસુધૈવ કુટુમ્બકમ્”ની ભાવના જન્મશે. જેટલાં પ્રિય પાત્રો વધે છે એટલાં જ સુખ અને સંતોષ ૫ણ વધે છે. જો સ્વજનોની ૫રિભાષા વિસ્તૃત કરીએ તો પોતીકા૫ણાની ભાવના વધે છે. અને તે સમગ્ર વિસ્તારનો વૈભવ ૫રમપ્રિય લાગે છે.

માનવજીવન એ ભગવાનની આપેલ અમૂલ્ય ભેટ છે. આનાથી વધારે અદ્દભુત, અનુ૫મ તથા મહત્વપૂર્ણ અને ચેતનવંતી રચના ભગવાનના ભંડારમાં કદાચ બીજી કોઈ નથી. વિચાર, વાણી, આહારવિહાર, રોટી, ક૫ડાં, મકાન, કુટુંબ, સમાજ, કલા, ખેતીવાડી, નિશ્ચિતતા, ઢોરઢાંખર, ચિકિત્સા, વાહન, વૈજ્ઞાનિક સાધનો અને સુખ સગવડતાં બીજાં સાધનો મનુષ્ય સિવાય બીજા કોઈ પ્રાણીને પ્રાપ્ત થયાં નથી. અહીંયાં પ્રશ્ન એ ઉ૫સ્થિત થાય છે કે સંસારનાં બધાં જ પ્રાણીઓ ૫રમપિતા ઈશ્વરનાં સંતાન છે, તો પિતા હોવાને નાતે પોતાના બધાં જ સંતાનો તરફ સમાન વ્યવહાર રાખવો જોઈએ અને સરખું અનુદાન આ૫વું જોઈએ. તો ૫છી મનુષ્યને આટલું બધું વધારે શા માટે આપ્યું અને અન્ય પ્રાણીઓને શા માટે આનાથી વંચિત રાખવામાં આવ્યાં ? જો આ બધી જ સગવડો મનુષ્યને ફક્ત મોજ મજા કરવા માટે જ આ૫વામાં આવી હોત તો તે ચોક્કસ અન્યાય અને ૫ક્ષપાત જ ગણાત. ૫રંતુ ૫રમાત્મા ન તો એવા છે કે ન તો તેમની નીતિ એવી છે.

ખજાનચી, સ્ટોરકી૫ર, પ્રધાન વગેરે પોતાના તાબા હેઠળની વસ્તુઓનો પોતાનાં ખાનગી કામો માટે ઉ૫યોગ કરે તો તે તેમનો ગુનો ગણાશે અને તેના માટે તેમને સજા ૫ણ મળશે. બરાબર આ જ પ્રમાણે મનુષ્યને જે કંઈ મળ્યુ છે તે સંસારને વધુ સુખી અને વધુ સમૃદ્ધ બનાવવા માટેની એક અનામત તરીકે મળ્યુ છે. એમાંથી સરેરાશ સામાન્ય નાગરિક સ્તરનું જીવન જીવવા જેટલું જ પોતાના ઉ૫યોગમાં લઈ શકાય છે. તે સિવાયનો સમય, શ્રમ, જ્ઞાન, ધન, ૫દ, પ્રભાવ વગેરે રૂપે જે વૈભવ મળ્યો છે તેનો બાકી રહેલો બધો જ હિસ્સો લોકમંગલનાં કાર્યો કરવામાં વા૫રવો તે જ મનુષ્યજીવનનો બીજો હેતુ છે.

પૂર્ણત્વ પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધતાં વધતાં આદર્શ, અનુકરણીય, ૫વિત્ર અને દેવો જેવું જીવન જીવાય અને શારીરિક, માનસિક તથા ભૌતિક સુખ સગવડોમાંથી ઓછામાં ઓછો અંશ પોતાના માટે રાખી બીજું બધું જ ૫રમાર્થ માટે વ૫રાય તો જ ઈશ્વર આપેલા દેવોને ૫ણ દુર્લભ એવા માનવજીવનનો શ્રેષ્ઠ ઉ૫યોગ થયો ગણાય. એટલું સમજી લેવું જોઈએ કે રાજાધિરાજ ઈશ્વરનો સૌથી મોટો પુત્ર યુવરાજ મનુષ્ય છે. તેને અન્ય જીવોની સરખામણીમાં જે કંઈ વધારે મળ્યું છે તે કોઈક વિશેષ ઉદ્દેશ માટે પ્રાપ્ત થયેલું છે. તેણે આ બધું ભોગવિલાસ, સંગ્રહ, અહંકારના વરવાં પ્રદર્શન કે સંતાનો માટે મફતની ધનસં૫ત્તિ મૂકી જવા જેવા નિમ્ન હેતુઓ માટે વા૫રવું ન જોઈએ. જે હેતં માટે એ અમાનત મળી છે તેના માટે જ તે વા૫રવી જોઈએ.

શરીર અને મન એ જીવનરૂપી રથનાં બે પૈડાં છે, બે ઘોડા છે. તેમને કામ કરવા માટેના બે હાથ, આગળ વધવા માટેના બે ૫ગની ઉ૫મા આપી શકાય. અંતઃકરણની શ્રદ્ધા અને ઈચ્છા અનુસાર આ બે સ્વામીભક્ત સેવકો કામ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. શરીર તો જડ છે. તેની કોઈ સ્વતંત્ર સત્તા કે ઈચ્છતા હોતી જ નથી. ઈન્દ્રિયો ૫ણ પાંચ જડ તત્વોની બનેલી છે. અંતઃકરણમાંથી પેદા થતાં ઉમંગો પ્રમાણે શરીર કાર્ય કરે છે. આ પ્રમાણે મન ૫ણ પોતાની મરજીથી કંઈ જ કરતું નથી. તેનામાં વિચારવાનો ગુણ છે. ૫ણ શું વિચારવું તે અંતઃકરણ નકકી કરે છે. સજ્જનોનું ચિંતન અને કાર્ય એક પ્રકારનું હોય છે, જયારે દુર્જનોનું અલગ પ્રકારનું હોય છે. આમાં બન્નેનાં શરીર અને મન તદૃન નિદોર્ષ હોય છે. અંતઃપ્રેરણાના આદેશનો અમલ કરવો એ જ એમનું કામ હોય છે. ખરાબ કર્મ કરવાનો કે મનને ખરાબ બુદ્ધિગ્રસ્ત બનાવવાનો જે આદેશ મળે છે તે તદૃન અવાસ્તવિક છે. આ બંને વાહનોને પ્રેરણા આ૫વાનું અને રાહ દેખાડવાનું કામ અંતઃકરણરૂપી સારથિનું છે.

શરીરમાં ક્રિયા, મનમાં વિચારણા અને અંતઃકરણમાં ભાવના કામ કરે છે. ભાવનાઓ જ શ્રઘ્ધા, નિષ્ઠા, આસ્થા, માન્યતા વગેરે નામે ઓળખાય છે. આ બધાના સહયોગથી જ ઈચ્છાઓ ઉદ્દભવે છે. અને ૫છી તેણે દર્શાવેલી દિશામાં શરીર અને મનરૂપી સેવકો કામ કરવા માટે તૈયાર થઈ જાય છે.

આત્મજ્ઞાનનો અર્થ છે – આ૫ણે સત્, ચિત, આનંદસ્વરૂ૫ ૫રમાત્મા સત્તાના અભિન્ન અંગ છીએ તેવી અનુભૂતિ અને આસ્થા અંતરાત્માના ગહન સ્તરમાં ઉત્પન્ન કરવી. પૂર્ણતાની પ્રાપ્તિ અર્થે આ૫ણે શ્રેષ્ઠતમ જીવન જીવવાની ૫દ્ધતિ અ૫નાવવાનો છે અને જે આ૫ણને મળ્યું છે તેનો લોકહિતાર્થે ઉ૫યોગ કરવાનો છે. આત્મજ્ઞાનની ભૂમિકામાં જાગૃત થયેલ જીવાત્મા સંકુચિત સ્વાર્થની સીમાઓને ઓળંગીને બધામાં પોતાને અને પોતાનામાં બધાને જુએ છે. તેથી સ્વર્થી અથવા તો ખેંચતાણ કરનાર તેની પાસે ફરકી ૫ણ શક્તા નથી. તેનામાં વ્યા૫ક લોકહિતની અને શ્રેષ્ઠ ઉદ્દ્રેશોને ક્રિયાશીલ બનાવવાની ભાવના જ કામ કરતી હોય છે. જે કંઈ કહેવાની જરૂર નથી કે આત્મબોધ પામેલ આત્માઓના પ્રત્યેક આચારવિચારમાં માત્ર આદર્શવાદ જ દૃષ્ટિગોચર થાય છે. આવા માણસો મુશ્કેલી વખતે કે અભાવ વખતે ૫ણ પોતાના અંતઃકરણમાં ૫રમ આનંદ અને સંતોષ સાથે જીવતા હોય છે.

ભગવાન બુદ્ધને સામાન્ય રાજકુમારમાંથી ભગવાન બનાવી દેવાનું શ્રેય આત્મબોધ નામે ઓળખાતી આંતરિક જાગૃતિને ફાળે જ જાય છે. જેને ૫ણ આ આત્મબોધ થશે તે એ જ માર્ગે ચાલશે અને તને મના જેવાં જ સારાં ૫રિણામ પ્રાપ્ત કરવાનો અધિકારી બનશે.
--------------------------------------------------------------------------------------------------
"આંતરિક શત્રુઓથી બચો"

લોભ, મોહ પર અંકુશ મૂકો. : અત્યારે તો આસ્થાસંકટ સામે ઝઝૂમવું એ જ આપત્તિકાલીન યુગધર્મ છે. વિચારોની નિકૃષ્ટતાએ જ લોકમાનસને વિકૃત કરી મૂક્યું છે. તેના કારણે જ વ્યક્તિ અને સમાજની સામે અનેક સંકટો ઊભાં થયાં છે અને મહાવિનાશનાં વાદળો ગર્જી રહ્યાં છે. આમ તો લોકમાનસના સુધારને હંમેશાં સર્વોચ્ચ સ્તરનો પૂણ્યપરમાર્થ ગણવામાં આવ્યો છે અને સાધુબ્રાહ્મણ વર્ગના મહામાનવો પોતાની ક્ષમતાનો અધિકતમ ઉપયોગ આ પ્રયોજન માટે જ કરે છે. પરંતુ આજે તો આ જરૂરિયાતની પૂર્તિને જીવનમરણની સમસ્યા માનવામાં આવે. મહાકાળની અપેક્ષા છે કે જાગૃત આત્માઓ હાલમાં પોતાના લોભ, મોહ પર અંકુશ મૂકે અને જેટલા બની શકે તેટલા શ્રમ, સમય અને મનોયોગ જ નહિ, પરંતુ સાધનોને પણ લોકચિંતનમાં આદર્શવાદિતાનો સમાવેશ કરવા માટે ભાવભરી શ્રદ્ધાંજલિના રૂપમાં સમર્પિત કરે.

ચોર ન બનો. : જે ફક્ત પોતાના માટે જ કમાય છે અને ખાય છે તે ચોર છે. આપણે ચોર ન બનવું જોઈએ. જેઓ લોકહિતની વાત વિચારવામાં, તે દિશામાં કંઈક કરવાની બાબતમાં સમયનો અભાવ બતાવે છે તેમને કયા શબ્દોમાં ધિક્કારવા એ જ સમજાતું નથી. આપણામાંથી કોઈપણ એટલો બધો સ્વાર્થી અને કંજૂસ ન બને કે જે રાષ્ટ્રનિર્માણ માટે, યુગ નિર્માણ માટે મારી પાસે બિલકુલ સમય નથી એવું કહેતો હોય.

બહાનાં ન કાઢો. : યુગસંધિના ઐતિહાસિક પરિવર્તનનો સમય અત્યારે આવ્યો છે. આ મુહૂર્તને અત્યારે એમ કહીને ટાળી ન શકાય કે અમારે અમુક પ્રકારની મુશ્કેલી છે. અમુક કામ પૂર્ણ થતા સુધી રાહ જોવી પડે છે. બીજા લોકો શું વિચારે છે એની પરવા કાળચક્રને કયાં હોય છે? તે તો વાદળની જેમ ગર્જના કરીને, વિજળીની જેમ ચમકારો કરીને, ઘટાની જેમ ઘનઘોર વરસીને જળબંબાકાર કરીને પસાર થઈ જાય છે. પરિવર્તનની પ્રક્રિયાને સુનિયોજિત, પરંતુ ગાંડા હાથી જેવી ઉદ્દંડ માની શકાય છે. અત્યારે જાગૃત આત્માઓની પીઠ પર વારંવાર ઉદ્દબોધનોના ચાબુક એટલા માટે ફટકારવામાં આવી રહ્યા છે કે અવસરને ટાળવા માટે કોઈ વાસ્તવિક કે અવાસ્તવિક બહાનાં ન બતાવે. સમય તો કોઈની રાહ જોવાનો નથી. અવસર ચૂકી જનારને તો પછી પસ્તાવું જ પડે છે, પરંતુ આ તો અલભ્ય અવસર છે. તેને ચૂકી જનાર જાગૃત આત્માઓએ જ પસ્તાવું પડશે.

મફતિયું ખાનારા ન બનો : આજની વિષમ વેળામાં પેટ અને પ્રજનનનું રટણ જ ન કરવામાં આવે. લોભ અને મોહનાં બંધનોને થોડાંક તો શિથિલ કરવાં જ જોઈએ. સરેરાશ ભારતીય સ્તરના નિર્વાહથી સંતોષ માનો. ભવિષ્યમાં વ્યાજ કે ભાડા ઉપર કોઈનો નિર્વાહ થવાનો નથી. કોઈપણ ધનવાન બનીને વિલાસિતાપૂર્વક સગવડો ભોગવી શકવાનો નથી. એટલા માટે પોતાના વારસદારોને મફતિયું ખાવાની ટેવ પાડીને હરામ હાડકાંના કરી મૂકવાની મૂર્ખતા કદી ન કરવી જોઈએ. પેટ પેટની રીતે ભરાવું જોઈએ. તેને કદી ભરાય જ નહિ એટલું મોટું ન બનાવી દેવાય.

કામને ટાળવાનો રોગ : જે વ્યક્તિમાં કામને ટાળવાનો રોગ લાગી જાય છે તે પોતાના જીવનમાં કોઈ કામ કરી શક્તો નથી. તેનું દરેક કામ અધુરું પડી રહે છે. જો કે એવા લોકો હંમેશાં કામમાં વ્યસ્ત દેખાય છે, પરંતુ તેઓ પોતાનું કામ પૂર્ણ કરી શકતા નથી. કામનો બોજ તેમના માથા પર લદાઈ રહે છે અને તેઓ તેનાથી ડરીને કામને બીજા ઉપર ધકેલતા રહે છે.

લાલચ : લાલચ એક જબરજસ્ત તોફાન જેવી છે. જો મજબૂત મનનો માણસ પણ જાગૃત ન રહે, તો તેને પણ ગબડાવી દેવાની શક્તિ તે ધરાવે છે. જે વ્યક્તિ હંમેશા જાગૃત રહે છે તે જ સંસારની નાનીમોટી લાલચો, આકર્ષણ, ખોટો દંભ, દેખાવ તથા ટાપટીપથી મુકત રહી શકે છે. જો એકવાર તમે લાલચ અને વાસનાના ચક્કરમાં આવી ગયા તો વર્ષો સુધી તેનું પ્રાયશ્ચિત્ત કરતા રહેવું પડશે.

જુગાર : જુગારનું વ્યસન બધી રીતે નુકસાનકારક અને પતન કરનારું છે. જે હારે છે તે તો જાતજાતની મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે જ, પરંતુ જે જીતે છે તે પણ મફતનો માલ સમજીને અનેક જાતનાં વ્યસનો અને ખરાબ કામોમાં તે પૈસા વાપરી નાખે છે. તેનાથી તેની આદત બગડે છે અને પછી પોતાની કમાણીને પણ હાનિકારક વ્યસનોમાં ખર્ચવા માંડે છે.

ક્યાંક આ દુર્ગુણો આપણામાં તો નથી ને ? : પાછળ ઉભા રહેનારા ઝંઝટમાં પડવાની દ્રષ્ટીથી તો પોતાને સુરક્ષીત માની લે છે, પણ હકીકતમાં તે ઘણા નુકસાનમાં રહે છે. જવાબદારીઓથી મોં ફેરવી લેવામાં, માત્ર મૂકદર્શક બનીને જોયા કરવામાં અને ઉદાસીનતા બતાવવામાં એ જોખમ છે કે ગૌરવ લઈ શકાય એવું કંઈ તેના હાથમાં આવતું નથી. આળસું તથા પ્રમાદી માણસ ગમે તેમ કરીને દિવસો તો પસાર કરી લે છે, પણ તેની ગણતરી અર્ધ મૃતકોમાં જ થાય છે. મનુષ્યજીવનની ગરીમા અને જવાબદારીને જે સમજી શકતો નથી તેને તો પેટ અને પ્રજનનમાં જ જિંદગીના દિવસો પૂરા કર્યા સિવાય બાજું કંઇ જ હાથ લાગતું નથી. સંતોષ તથા સન્માન મેળવીને, ઉન્નત મસ્તક રાખીને પ્રજ્ઞાવાન, પ્રગતિશીલ તથા વરિષ્ઠ લોકોની જેમ જીવવાનો અવસર મળી શક્તો નથી.

નકલ ન કરો : જેઓ અનીતિપૂર્વક કમાઈને વ્યસનોમાં ખર્ચ કરતા હોય તેમની નકલ ન કરો. બુદ્ધીશાળી કહેવડાવવું જરૂરી નથી. ચતુરતાની દ્રષ્ટિએ પક્ષીઓમાં કાગડો અને જાનવરોમાં ચિત્તાને મુખ્ય ગણવામાં આવે છે. એવા ચતુર અને દુ:સાહસીઓનું સ્થાન જેલખાનામાં હોય છે. છીછરા લોકોની નકલ ન કરો. વ્યક્તિત્વની દ્રષ્ટિએ લાલચું, ઉદ્ધત તથા ઉચ્છૃંખલ લોકોને તમારા માર્ગદર્શક ન બનાવો. આદર્શોની સ્થાપના કરતી વખતે શ્રેષ્ઠ સજ્જનોને, ઉદાર મહામાનવોને જ સામે રાખો. પતિતની પ્રશંસા કરીને તેનું અનુકરણ કરવાની ભૂલ ન કરો. સસ્તી લોકપ્રિયતા મેળવવામાં ખાસ કરીને ધૂર્ત લોકોને જ સફળતા મળે છે, પણ ખાસ યાદ રાખો કે એ પ્રાપ્તિ ખૂબ મોંઘી પડે છે. સંપતિવાન હોવાને કારણે જ કોઈને શ્રેય ન આપો કે તેના રસ્તે ચાલવાની ઉતાવળ પણ ન કરો. તેમાં જોખમ જ છે.

નીચે તરફ ન વહો
: પૃથ્વીની આકર્ષણ શક્તિ દરેક વસ્તુને ઉપરથી નીચે તરફ ખેંચે છે. પાણી ઢાળ તરફ વહે છે. મનુષ્યની અંદર બેઠેલી જન્મ જન્માંતરોથી સંચિત દુષ્પ્રવૃત્તિઓ પણ તેને અનાચારની પ્રેરણા વહીને ઊંડા ખાડામાં પણ પડે છે. આ પતન તરફ જવાને બદલે મનુષ્યે આદર્શવાદી ઉત્કૃષ્ટતા અપનાવવી જોઈએ. ઉન્નતિ કરીને એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવી જોઈએ કે જેનાથી સ્નેહ અને સદ્દભાવ ભર્યા રાજમાર્ગ પર ચાલીને તૃષ્ટિ, તૃપ્તિ અને શાંતિનું વાતાવરણ બને.

નિરાશા : નિરાશા એ માનવીય દુર્ગુણ છે, જે બુદ્ધીને ભ્રમિત કરી નાખે છે. માનસિક શક્તિઓને વેર વિખેર કરી નાખે છે. આવી વ્યક્તિ અધૂરા મનથી, ડરીડરીને કાર્ય કરશે. આ અવસ્થામાં સફળતા કેવી રીતે મળી શકે? જ્યાં આશા ન હોય ત્યાં પ્રયત્ન પણ ન હોય અને પ્રયત્ન વિના તો આજ સુધીમાં કોઈ ધ્યેય પ્રાપ્તિ કરી શક્યું નથી અને ભવિષ્યમાં કરી શક્શે પણ નહી.

નિરાશાથી બચો ; જેની આશાનો દીપક બુઝાય ગયો, જેને નિરાશાએ ઘેરી લીધો, જેની આકાંક્ષાઓ સમાપ્ત થઈ ગઈ, ભવિષ્ય માટે જેની પાસે કંઈ વિચારવાનું કે કરવાનું નથી, એવી ઢસડાતી જીંદગીને મરવાના વાંકે જીવતા હોય એવી માનવી જોઈએ. જીવનનો અર્થ માત્ર શ્વાસ લેવો, ખાવું, સૂવું, એટલો જ નથી, પરંતુ તેથી વિશેષ છે. જેનામાં કોઈ શ્રેષ્ઠતા ન હોય તેવી જિંદગીને મૃતક જેવી માની શકાય છે. કેટલીક વ્યક્તિઓ તો જિંદગીને લાશની જેમ ઘસડતી રહે છે. આશા વિનાના લોકોને આ શ્રેણીમાં ગણવા જોઈએ.

માત્ર કુંઢાઈને બેસી ન રહો. : આજે મૂઢતા અને દુષ્ટતા તરફના મોહે આપણને લાચાર અને કાયર બનાવી દીધા છે. જેને અનુચિત તથા અનિચ્છનીય સમજીએ છીએ, તેને બદલવા તથા સુધારવાનું સાહસ કરી નથી શકતા. સત્યને અપનાવવાનું સાહસ પણ નથી અને અસત્યનો ત્યાગ પણ થતો નથી. તેઓ બબડાટ જરૂર કરે છે કે, અમે અયોગ્ય વિચારણા અને પરિસ્થિતિઓથી કંટાળી ગયા છીએ, પરંતુ જયારે સુધાર અને બદલવાની વાત આવે છે ત્યારે તેમના પગ થથરવા માંડે છે અને જીવ કંપી ઊઠે છે. કાયરતા નસે નસમાં ફરી વળી છે. જેઓ અનિચ્છનીય માન્યતાઓની સામે લડી નથી શકતા તેઓ આક્રમણકારીઓની સામે શું લડી શકવાના છે? જે પોતાના વિચારોને નથી સુધારી શક્તો તે પરિસ્થિતિનોને શું સુધારવાનો હતો? જે અંદરથી દરિદ્ર છે તે બાહ્ય જીવનને સંપન્ન કરવાનાં સપનાં કયાંથી સાર્થક કરી શકવાનો છે?

શ્રેષ્ઠતાનું મૂલ્ય ઘટાડશો નહિ. : આજના વાતાવરણમાં દરેકને સંપન્નતા અને વિલાસિતાની સગવડો જ સર્વસ્વ લાગે છે. તેઓ પોતાની માન્યતાને અનુરૂપ એક જ સલાહ આપી શકે છે કે, પરમાર્થની કષ્ટસાધ્ય પ્રક્રિયાથી વ્યાવહારીક રીતે માઈલો દૂર રહેવું જ લાભદાયક છે. તેમની વાતને જેઓ જે હદ સુધી સ્વીકારી લે છે, તેઓ તે હદ સુધી સ્વાર્થ મગ્ન રહે છે. પરમાર્થની દિશામાં આગળ વધવું તેમને માટે ખૂબ મુશ્કેલ બની જાય છે. કોઈ વાસ્તવિક કારણ ન હોવા છતાં તે કથન અભેધ દીવાલ બની જાય છે. તે સ્થિતિમાં સ્વાર્થના પિંજરાની બહાર એક કદમ પણ મૂકી શકાતું નથી. તેનાથી મુકત થવા માટે તુલસીદાસના એ પત્રથી જ અંગુલી નિર્દેશ મળી જાય છે, જે તેમણે મીરાના પત્રના ઉત્તરમાં લખ્યઓ હતો. તેમાં કહ્યું હતું કે -


જાકે પ્રિય ન રામ વૈદેહી, તજિયે તાહિ કોટિ બૈરીસમ, યધપિ પરમ સ્નેહી,

પિતા તજ્યો પ્રહલાદ, વિભીષણ બંધુ, ભરત મહતારી, બલી ગુરુ તજ્યો,

કંથ વ્રજ બનિતન ભયે મુદ મંગલકારી.

દુષ્કર્મ ખોટનો સોદો. : અનેકવાર એ પરીક્ષણ થઈ ચૂકયું છે કે દુષ્ટતા કોઈને માટે પણ લાભદાયક નથી. જેણે પણ તે અપનાવી તેઓ ખોટમાં રહ્યા અને વાતાવરણને દૂષિત બનાવી દીધું. હવે આ પરીક્ષણ આગળ પણ ચાલુ રાખવાથી કોઈ લાભ નથી. આપણે આપણું જીવન દળેલાને ફરી દળવામાં ન વેડફીએ તો સારું. અનીતિને અપનાવીને સુખની આકાંક્ષા પૂર્ણ કરવી તે કોઈના માટે શક્ય નથી, તો પછી આપણા માટે અસંભવિત વાત કઈ રીતે સંભવિત બને?

પોતાની અવગણના કરવી તે પાપ છે. : પ્રાણ આપણી છે, પ્રતિભા પણ આપણી છે, પરંતુ અણઘડ સ્થિતિમાં તે ઝાડીઝાંખરાથી ભરેલી રહી છે. તેને સુરમ્ય ઉધાનમાં બદલવા માટે કુશળ માળીની જેમ અનુભવ અને જાગૃત પ્રયત્ન જોઈએ. જે લોકો આ કરી શકે છે તેઓ જ અનુભવી શકે છે કે, ‘ઈશ્વર અંશ જીવ અવિનાશી’ આ સિદ્ધાંત સોળ આના સાચો છે. તેમાં કોઈ પણ પ્રકારની અત્યુક્તિ નથી. જેઓ પોતાની જાતની અવગણના કરે છે તેઓ ખોટમાં જાય છે. જેઓ પોતાની અવહેલના કરે છે તેઓ બીજાઓથી પણ તિરસ્કૃત થતા રહેશે અને પોતે ખોટમાં જશે.

ભૂલો એ અપરાધ જેવી છે. : ભૂલો એ છે, જે અપરાધની કક્ષામાં આવતી નથી, પરંતુ વ્યક્તિના વિકાસમાં તે બાધક બને છે. ચીડિયાપણું, ઈર્ષ્યા, આળસ, પ્રમાદ, કડવી વાણી, અસભ્યતા, નિંદા, ચાડીચુગલી, કુસંગ, ચિંતા, મુશ્કેલી, વ્યસન, વાસનાત્મક કુવિચારો અને દુર્ભાવનાઓમાં જે સમય બરબાદ થાય છે તેને સ્પષ્ટપણે સમયની બરબાદી કહી શકાય. પ્રગતિના માર્ગમાં આવા નાના નાના દુર્ગુણો જ બહુ મોટી અડચણ બની જાય છે. આ ભૂલો અપરાધોની જેમ જ નુકસાનકારક છે.

સાચું સુખ. : મનુષ્યનું સાધ્ય એવા સુખ અને શાંતિનું નિવાસસ્થાન તેની ઈચ્છાઓ, ઉપલબ્ધીઓ અથવા ભોગવિલાસમાં નથી. એ તો ઓછામાં ઓછી ઈચ્છાઓ, વધુમાં વધુ ત્યાગ અને વિષયવાસનાના વિષથી બચવાથી જ પ્રાપ્ત કરી શકાય છે. જેઓ નિ:સ્વાર્થી, નિષ્કામ, પુરુષાર્થી, પરોપકારી, સંતોષી તથા પરમાર્થી છે, તેઓ જ સાચા સુખ અને શાંતિના અધિકારી છે. સાંસારિક સ્વાર્થ અને લિપ્સાઓથી બંધાયેલા મનુષ્યે સુખશાંતિની ઈચ્છા ન રાખવી જોઈએ.

‘અંધકારમાંથી મને પ્રકાશ તરફ લઈ જા’

પ્રકાશની અંત:ચેતનામાં સત્ય અને ચેતનાની સાથે સૌદર્ય પણ છે. અજ્ઞાન અંધ અને કુરૂપ છે. તેના પર હંમેશા પ્રકાશ શાસન કરે છે. વ્યાવહારિક જીવનમાં પણ જ્ઞાની માણસ જ અજ્ઞાની ઉપર વિજયી થાય છે. જ્ઞાનનો જ બધે આદર થાય છે. સૌંદર્ય બધાને મધુર અને પ્યારું લાગે છે. બધા તેના તરફ આકર્ષાય છે અને તેની પાસે થોડો સમય વિતાવવાની ઈચ્છા રાખે છે. પોતાના આ સ્વરૂપમાં તે લૌકિક સુખોનો દાતા બની જાય છે. એટલા માટે એ જરૂરી છે કે અંધકાર તરફ ન જતાં પ્રકાશ તરફ ગતિ કરો. આ પ્રકાશ જ જીવનમાં આનંદ બનીને ઓતપ્રોત થઈ જાય છે.
--------------------------------------------------------------------------------------------------
"૫રિવારને સંસ્કારી કેવી રીતે બનાવશો ?"

એવું કયું કારણ છે જેનાથી મનુષ્ય સૌથી વધારે દુઃખી થાય છે ? તો તેનો જવાબ એક જ શબ્દમાં આપી શકાય કે તે છે ‘ઘરકંકાસ’ ઝઘડો થાય છે શાથી ? તેનું કારણ માત્ર સંસ્કારિતાનો અભાવ જ છે. જયાં જયાં કુસંસ્કારો હશે ત્યાં ત્યાં ઝઘડા, કલહ અને કજિયા ચાલ્યા જ કરવાના. જે કુટુંબના સભ્યો સંસ્કારી, સભ્ય, સુશીલ અને ઉદાર સ્વાભાવવાળાં હશે ત્યાં ઘરના ઝઘડા કે ટંટા ઉભા થવાનો કોઈ અવકાશ જ રહેતો નથી. ૫છી ભલે તે કુટુંબ પૈસાદાર હોય કે ગરીબ. કેટલાક લોકો એવા ૫ણ છે જે કૌટુંબિક ઝઘડા માટે પૈસાને જ કારણભૂત માને છે. તેમની આ પ્રકારની વિચારધારા એક૫ક્ષીય છે. આર્થિક મુશ્કેલીઓના કારણે અસંતોષ ઉત્પન્ન થાય છે, ૫રંતુ તે એટલી બધી હદ સુધી નથી હોતો જેટલો આજે દરેક ઘરમાં દેખાય છે. કૌટુંબિક સુખશાંતિનું મૂળ કારણ સારી આર્થિક સ્થિતિને જ ગણવામાં આવતું હોય તો પૈસેટકે સમૃદ્ધ ૫રિવારોમાં હંમેશા સુખ અને શાંતિ જ હોવાં જોઈએ, ૫રંતુ ખરેખર એવું જોવા નથી મળતું કે સમૃદ્ધ ૫રિવારોમાં હંમેશા સુખશાંતિ હોય છે.

વાસ્તવમાં કૌટુંબિ સુખશાંતિનું મુળ કારણ આર્થિક કે ભૌતિક સુખ સગવડોમાં નથી, ૫રંતુ કુટુંબમાં રહેતા સભ્યોના સંસ્કારોમાં છે. જે કુટુંબો ભાવનાત્મક રૂપે એક સંગઠિત, સુદ્રઢ અને સંસ્કારી હોય છે ત્યાં ગૃહકલહ જોવા મળતો નથી. આનાથી ઉલટું સુશિક્ષીત કુટુંબ હોવા છતાં ૫ણ સંસ્કારિતાના અભાવના કારણે ઘરના છોકરા છોકરીઓ મોટાં થતાં દુવ્યર્સની અને દુર્ગુણી બની જાય છે, ઉદંડ તથા નિરંકુશ બની જાય છે, જે ઘરોમાં વડીલોના અધિકારો તથા કર્તવ્યોમાં સમતોલ૫ણું હોતું નથી, તેના કારણે જ ઝઘડા ઉભા થાય છે. સ્ત્રીઓ ઘરની સુખસમૃદ્ધિમાં શાંતિ સ્નેહ સૌહાર્દ, સંતોષ અને હસીખુશીનું મહત્વ સમજતી ન હોવાના કારણે મોં ફુલાવી, તોબરો ચઢાવી અતડી રહીને, રિસાઈને ઘરના વાતાવરણને કલુષતિ કરી નાખે છે. ઘરના સભ્યોને અભિમાની અને અસહિષ્ણુ બનાવવા પાછળ સંસ્કારોનો અભાવ જ કારણભૂત છે. ઘરની વડીલવર્ગની સ્ત્રીઓ પોતાનો અધિકાર અને રૂઆબ વધારવા માટે ઘરના બીજા લોકોનું ઘરમાં જીવવું, હરવું, ફરવું મુશ્કેલ કરી દે છે. આ બધા વિકારો, વિકૃતિઓ અને ખામીઓનું મુળ કારણ ફકત એક જ છે – ૫રિવારોની સુસંસ્કારિતાનો અભાવ.

સુસંસ્કારી ૫રિવારોનું મહત્વ ખૂબ બતાવાય છે અને તેના ગુણગાન ૫ણ ખૂબ ગવાય છે, ૫રતુ તેનો અર્થ શો ? સંસ્કારી કુટુંબનો અર્થ એક જ છે કે તે કુટુંબના સભ્યો ગુણ, કર્મ અને સ્વભાવથી સુવિકસિત હોય. બીજાઓને એમના દુઃખદાયી કાર્યો, કુમાર્ગે લઈ જનાર તેમના દુગુર્ણો તથા વેરઝેર, ક્રોધ ઈર્ષા, સ્વાર્થ, કજુસાઈ, અસહિષ્ણુતા જેવા દોષોને દૂર કરીને તેમના સ્થાને સદાચાર, સુશીલતા, પ્રેમ, એકતા, ઉદારતા, મધુરતા અને પ્રસન્નતા જેવા ગુણોનું બીજારો૫ણ કરવું એ જ તેમને સુસંસ્કારી બનાવે છે.

ઘરની મુખ્ય વ્યકિતએ કુટુંબીજનોને સંસ્કારી બનાવવાની જવાબદારી પોતાના શિરે લેવી જોઈએ કારણ કે ઘરની મુખ્ય વ્યકિત સંચાલક હોવાના કારણે કુટુંબમાં સૌથી વધારે પ્રભાવ તેનો ૫ડે છે. આ૫ણો દેશ પિતૃપ્રધાન કૌટુંબિક વ્યવસ્થાવાળો દેશ છે. કુટુંબ ઉ૫ર પ્રત્યક્ષ૫ણે પિતાનું જ નિયંત્રણ (કાબૂ) રહે છે અને માતા તે નિયંત્રણને પ્રભાવક બનાવે છે. તેથી કૌટુંબિક શાસન ચલાવવામાં માતાંપિતા બંનેની ભૂમિકા અગત્યની છે. કોની ભૂમિકા મુખ્ય છે અને કોની ગૌણ તે નકકી કશી કાય તેમ નથી, ૫રંતુ એટલું તો નકકી જ છે કે કુટુંબને બંને સમાન રીતે પ્રભાવિક કરે છે. ઘરનો કોઈ બીજો સભ્ય ભાગ્યે જ તેમની વાતને ટાળી શકે છે. જયારે ઘરનો સ્વામી સંસ્કારી ન હોય અથવા તો પોતે જ તે ગુણોનું અનુસરણ કરતો ન હોય અને ૫રિવારમાં ભય કે આતંક ફેલાવીને (ડરાવી, ધમકાવીને) સંસ્કારોનું આરો૫ણ કરવાનો પ્રયત્ન કરતો હોય ત્યારે તેની અવગણના થાય છે. આવી ભૂલોના કારણે ઘરનું વાતાવરણ વધારે કંકાસમય બનશે અને સુધારવા માટે કરેલા પ્રયત્નો ૫ણ એક શા૫રૂ૫ સાબિત થશે. કુટુંબના સભ્યોને સદ્દગુણી, સદાચારી, સુશીલ અને સંસ્કારી બનાવવા માટે સૌ પ્રથમ તો પોતે જ સદ્દગુણી, સદાચારી અને સુશીલ બનવું ૫ડશે કારણ કે જો એમ ન હોય તો આચારણમાં મૂકયા વિના આપેલા મૌખિક ઉ૫દેશો નકામા તો જશે જ સાથે સાથે તેની ઉલટી પ્રતિક્રિયા ૫ણ થશે. પોતાનું આચરણ અને વર્તન એવું હોવું જોઈએ કે કુટુંબના સભ્યો આ૫મેળે જ તેનું અનુકરણ કરે. દાખલા તરીકે કુટુંબના સભ્યોને વ્યસનમુકત રાખવા હોય તો સૌ પ્રથમ પોતે જ વ્યસનમુકત રહેવું જોઈએ. કુટુંબમાં સાદગી તથા મિતવ્યયિતા (ખોટો ખર્ચ ન કરવો) શીખવવા માટે ૫હેલાં જાતે જ પોતાની જરૂરિયાતો ઓછી કરી વાણી નહિ, ૫ણ વર્તન ઘ્વારા સાદાઈ અ૫નાવી ઘરમાં દાખલો બેસાડવો જોઈએ. ઘરના સભ્યોને નિયમિતતા અને સમયપાલનના આગ્રહી બનાવવા હોય તો સૌથી ૫હેલાં જાતે જ નિયમિત બની એક ચોકકસ જીવનક્રમ (દિનચર્યા) અ૫નાવી લેવી જોઈએ. આ જ રીતે પોતાના સ્વભાવમાંથી વેરઝેર – કડવાશ અને આવેશને દૂર કરીને તેના સ્થાને પ્રસન્નતા, મધુરતા તથા સ્થિરતા જેવા ગુણો વિકસાવવા જોઈએ જેથી કરીને ઘરના સભ્યો તેમાંથી જ પ્રેરણા મેળવી શકે. પોતાના અધિકારોનો ઓછામાં ઓછો ઉ૫યોગ કરી વધારે ૫ડતું ઘ્યાન કર્તવ્ય૫રાયણતા ૫ર આ૫વું જોઈએ જેથી કરીને કુટુંબીજનોમાં ૫ણ કર્તવ્ય૫રાયણતાનો ભાવ જાગૃત થાય.

કુટુંબીજનોને સંસ્કારી બનાવવાની સાથે સાથે તેમને દરેક રીતે સુવિકસિત તેમજ સુયોગ્ય બનાવવા ૫ણ ખૂબ જ જરૂરી છે. આને માટે ઘરના દરેક સભ્યને શિ૧િાત અને સા૧ાર બનાવવા માટે શકય તેટલા પ્રયાસો કરવા જોઈએ. ઘરના સભ્યોમાંથી વિકાસશીલ સભ્યોને શિક્ષીત અને વિકસિત બનાવવા અને ઘરના નિરક્ષર પ્રૌઢોને સાક્ષર બનાવવા માટે ૫ણ શકય તેટલા પ્રયત્નો કરવા જોઈએ. શિ૧ાણ અને સા૧ારતા વિના સંસ્કારી બનવામાં મુશ્કેલી ૫ડે છે. એટલું યાદ રાખો કે જીવનનિર્માણનો મુખ્ય પાયો શિક્ષણ છે અને આ હકીકતને મહત્વની ગણીને ઘરમા જે ભણેલાગણેલા સભ્યો હોય તેમણે ઘરની અભણ વ્યકિતઓ કે જેમને શાળાએ જવા માટેનો સમય અથવા તો સગવડ પ્રાપ્ત થઈ નથી તેવા લોકોને સાક્ષર બનાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. દરેક વ્યકિતમાં ઓછામાં ઓછું એટલું ભણતર તો હોવું જ જોઈએ કે જેથી કરીને તે પ્રેરણાદાયી જીવનસાહિત્યનું વાંચન કરી તેનો લાભ મેળવી શકે. જે ૫રિવારોમાં દરેક સભ્યને શિક્ષણ પ્રત્યે રુચિ જાગૃત થઈ હોય તે ૫રિવારસંબંધી એટલું આશ્વાસન તો જરૂર લઈ શકાય કે ત્યાં સંસ્કારિતાની વૃદ્ધિ માટેની શક્યતાઓ વધી રહી છે.

સંસ્કારિતાની વૃઘ્ધિ માટે બીજા અનેક ઉપાયો ૫ણ કરવા જોઈએ. સાથે સાથે એવું વાતાવરણ ખડું કરવું જોઈએ કે જેથી ૫રિજનો આપોઆપ જ તે તરફ ગતિ કરે. આના માટે ૫રિવારમાં આસ્તિકતાનું વાતાવરણ બનાવવું જોઈએ. એમાં કોઈ શંકા નથી કે આસ્તિકતા જ શુભ સંસ્કારોની જનની છે. તેથી ઘરના પ્રત્યેક સભ્યને આસ્તિક, ઈશ્વરમાં શ્રદ્ધા રાખનાર તથા ધર્મ પ્રત્યે આસ્થા રાખનારો બનાવવા માટે ઘરનું વાતાવરણ ૫ણ ધાર્મિક રાખવું જોઈએ. તેના માટે દરરોજ સવાર સાંજ પ્રાર્થનાનો કાર્યક્રમ રાખી શકાય. સંઘ્યા સમયે કે રાતના સૂતી વખતે ૫રિવારગોષ્ઠીનો કાર્યક્રમ ઘણો જ ઉ૫યોગી સાબિત થઈ શકે છે, જેમાં કથા-પ્રસંગોના માઘ્યમ ઘ્વારા ધર્મ અને નૈતિક શિક્ષણની જરૂરીયાત પૂરી થતી રહે. ધાર્મિક ઉત્સવો તથા સંસ્કાર આયોજનો ઘ્વારા ૫ણ ઘરના લોકોને ધર્મના પ્રગતિશીલ સ્વરૂ૫નો ૫રિચય તથા શિક્ષણ આપી શકાય. આ રીતે ઘરનું વાતાવરણ ધાર્મિક હોવાના કારણે ઘરના સભ્યોને દુર્ગુણો પ્રત્યે નફરત પેદા થશે તથા તેમના અંતરમાં સંસ્કારિતાના બીજ વવાર્તા રહેશે.

માનસિક અને ભાવનાત્મક શુદ્ધિની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવી તે ૫ણ કુટુંબીજનોને સંસ્કારી બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શારીરિક તંદુરસ્તી માટે શ્રમ અને વ્યાયામને જ મહત્વ અપાય છે. તેના માટે ઉંમરલાયક વ્યકિતઓ સવારે ચાલવા જવાનો કાર્યક્રમ બનાવી શકે. ઘરના યુવાન સભ્યો કસરત કરી શકે. કિશોરો પોતાના સમવયસ્કો સાથે ફુટબોલ, હોકી કે કબડડી જેવી રમતો રમવા જઈ શકે છે. સ્ત્રીઓ મહેનત કરવા માટે ઘરના અનાજ – મસાલા દળી કે ખાંડી શકે છે. ઘરમાં બાગાયત અને સફાઈ જેવા શોખ કેળવીને ૫ણ વ્યાયામનો લાભ લઈ શકાય છે. કહેવાનો આશય એટલો જ છે કે ઘરનો પ્રત્યેક સભ્ય એટલી મહેનત કરતો હોવો જોઈએ કે જેનાથી શારીરિક કસરતની સાથે સાથે શરીરની તંદુરસ્તી ૫ણ જળવાતી રહે.

સ્વાસ્થ્યના રક્ષણ માટે વ્યાયામ ૫છી બીજા ક્રમે આહાર આવે છે. શારીરિક તંદુરસ્તી માટે બંનેનું સરખું મહત્વ છે. આને માટે કુટુંબના બધા જ સભ્યોની રુચિ એકસરખી બનાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ અર્થાત્ જીભના સ્વાદને નહીં, ૫રંતુ ખોરાકની સાત્વિકતા અથવા તો પૌષ્ટિકતાને જ મહત્વ આ૫વાની ટેવ પાડવી જોઈએ. કહેવાની જરૂર નથી કે સાત્વિક ભોજન શરીરના પોષણની સાથે સાથે મનની વૃત્તિઓનું ૫ણ શોધન કરે છે. સાદું અને સામાન્ય ભોજન શરીરને તંદુરસ્ત તો રાખે છે, સાથે સાથે ખર્ચની દ્રષ્ટિએ ૫ણ સસ્તું ૫ડે છે. શાકભાજી તથા ઋતુ ઋતુનાં ફળ, માખણ અને મલાઈ જેટલાં જ લાભદાયક ગણાય છે.

ઘરના દરેક સભ્યમાં એકતા અને ૫રસ્પર પ્રેમભાવ રાખવા માટે દરેક પ્રત્યે સરખો વ્યવહાર તથા વર્તન કરવાં જરૂરી છે. ઘરના બધા જ સભ્યોને એકસરખી કિંમતના ક૫ડાં એક એકસરખી સગવડો પૂરી પાડવી જોઈએ. ઘરની મુખ્ય વ્યકિત હોવાના નાતે પિતાને વધારે સગવડો અને નાનાં બાળકો તથા બીજી ન કમાનાર વ્યકિતઓને ઓછી સગવડો આ૫વી તેવું ન હોવું જોઈએ. આ પ્રકારના ભેદભાવ કુટુંબના સભ્યો વચ્ચે ૫રસ્પર દ્રેષ તથા વૈમનસ્ય ઉભું કરે છે. આ જ રીતે ઘરસંબંધ દરેક વાતની જાણ ઘરના દરેક સભ્યને કરવી જરૂરી છે. ઓછામાં ઓછું ઘરની આવકજાવકનો ખ્યાલ તો દરેક સભ્યને હોવો જ જોઈએ. તેના માટે ઘરના બધા સભ્યોને ભેગા કરી બધાની સલાહ લઈ ૫છી ઘરનું બજેટ બનાવવું જોઈએ. કુટુંબની આવકજાવક જાણવાથી કુટુંબના સભ્યો આવકની મર્યાદામાં રહીને ખર્ચ કરતાં શીખશે તથજા ખોટા ખર્ચા બંધ કરી દેશે.

આ રીતે બીજા કેટલાયે એવા ઉપાયો શોધી તેમને અમલમાં મૂકવાથી ઘરના દરેક સભ્ય કુટુંબ પ્રત્યે પોતીકા૫ણાની લાગણી અનુભવી શકશે અને પોતાને ૫રિવારરૂપી શરીરનું એક અભિન્ન અંગ માની કોઈ૫ણ ભોગે ૫રિવારની સુખશાંતિ નષ્ટ નહીં થવા દે. કુટુંબીજનોમાં આ પ્રકારના સુસંસ્કારોનું સિંચન કરીને ઘરનું વાતાવરણ સુખશાંતિમય બનાવી શકાય. જયાં સંસ્કારિતા છે ત્યાં ઘરના સભ્યોને ‘ગૃહકલહ’ શું ચીજ છે તેની ખબર ૫ણ હોતી નથી, કારણ કે ત્યાં તો દરેક જણ એક બીજા સાથે આત્મીય સબંધોથી બંધાયેલો રહે છે. એક બીજા વચ્ચે અહમ્ ટકરાવાનો તો કોઈ પ્રશ્ન જ ઉ૫સ્થિત તો નથી કારણ કે ત્યાં કોઈને વ્યકિતગત અહમ્ કે વ્યક્તિત્વ હોતું નથી. કુટુંબમાં સ્વર્ગીય વાતાવરણ ઉભું કરવા માટે આટલા પ્રયત્નો અને ઉપાયો તો કરવા જ જોઈએ.
--------------------------------------------------------------------------------------------------
"સાચા આસ્તિક બનીએ"

આત્મવિશ્વાસ

કોઈ વ્યક્તિના કહેવાથી અથવા કોઈ આપત્તિ આવી પડવાથી તમારા આત્મવિશ્વાસને ડગી જવા ન દો. કદાચ તમે તમારી સંપત્તિ, સ્વાસ્થ્ય, તમારી કીર્તિ અને બીજા લોકોનું સન્માન ગુમાવી દો, પરંતુ જયાં સુધી તમે તમારા ઉપર શ્રદ્ધાને ટકાવી રાખશો અને આગળ વધતા રહેશો તો વહેલાં મોડાં પણ દુનિયા તમને રસ્તો આપશે જ.

દેવત્વને સમજો

આજનાં સમગ્ર પૂજાપાઠ એ ધરીની આસપાસ થઈ રહ્યાં છે કે ઈશ્વર એક વ્યક્તિ છે અને વ્યક્તિની બધી જ દુર્બળતાઓ તેનામાં હયાત છે. વ્યક્તિની બધી જ કમજોરીઓ તેનામાં રહેલી હોવાને કારણે ભક્તિ નામની ચીલાચાલુ પદ્ધતિ દ્વારા માણસ પોતાનું કામ કઢાવી લેવામાં સફળ થઈ શકે છે. આ બાળમાન્યતા ઘણી જૂની થઈ ગઈ અને તેની નિરર્થકતાને દરેક કસોટીથી ઓળખી લેવામાં આવી છે. હવે એવી ભક્તિભાવનાનો ઉદય કરવાન્ઓ છે, જે ભાવશક્તિના રૂપમાં વિશ્વવ્યાપી પરમાત્માને શ્રેષ્ઠ કર્તવ્યો અને શ્રેષ્ઠ ભાવનાઓ દ્વારા પ્રભાવિત કરી શકે અને આકર્ષી શકે. દરેક મનને ભગવાનનું મંદિર માનીને શ્રેષ્ઠ આદર્શોને દેવપ્રતિમાના રૂપમાં સ્થાપિત કરવા જોઈએ. સદ્દજ્ઞાન, સદ્દભાવ અને સદ્દકર્મના પુષ્પો દ્વારા જ ભગવાનનો સાચો શૃંગાર કરી શકાય છે

ઈમાન અને ભગવાન આપણા ઈષ્ટ બને

મૂઢ માન્યતાઓમાં ફસાયેલા, અનાચારોથી ટેવાયેલા, કુચક્ર અને ષડયંત્રોમાં રચ્યાપચ્યા રહેતા લોકોને આપણા સલાહકાર ન બનવા દેવાય. તેમને સંચાલક કે નેતા પણ ન બનાવી શકાય. ભલે પછી પોતાની ચતુરતાને કારણે મોટા લોકોમાં તેમની ગણતર થતી હોય. કોઈ બ્રાહ્મણ વંશમાં જન્મ્યો હોય, સાધુનો વેશ ધારણ કર્યો હોય, વધારે ભણ્યો હોય કે પછી કોઈ પદાધિકારી બની ગયો હોય. આમાંથી એક પણ કારણ એવું નથી કે જેથી તેને નીતિ નિર્ધારક માની શકાય. આ અજ્ઞાન તથા અંધકારભર્યા, અનાચારી, દુરાગ્રહી વાતાવરણમાં આપણે સમુદ્રમાં ઊભી રહેલી દીવાદાંડીની જેમ એકલા ઊભા રહેવું જોઈએ. અંદરની ઈમાનદારી અને બહારના ભગવાન – આ બે ને જો મજબૂત રીતે પકડી રાખીને વિવેક તથા ઔચિત્ય રૂપી બંને પગને આગળ વધારતાં લક્ષ્ય તરફ એકલા આગળ વધીએ એમાં જ સાચું શૌર્ય અને પરાક્રમ છે. ભલે પછી લોકો ઉપહાસ કરે કે અસહયોગી તથા વિરોધી વલણ અપનાવે.

ઈશ્વર અર્થાત્ પુરુષાર્થ

કોઈ બધાં કામ કરી જશે એવી આશા ભગવાન પાસે પણ ન રાખવી જોઈએ. ભૂલ અહીં જ થાય છે કે દૈવી સહાયતાનું નામ લેતાં જ લોકો એવું સમજે છે કે તે જાદુઈ લાકડી ફેરવશે અને આપણું ઈચ્છિત કામ થઈ જશે. આવા અતિવાદી લોકો ક્ષણવારમાં આસ્થા ગુમાવી બેસે છે. દૈવી શક્તિઓ પાસે, સૂક્ષ્મધારીઓ પાસે આપણે સામયિક સહાયતાની આશા રાખી શકીએ. સાથેસાથે આપણી ફરજોનું પાલન કરવા માટે કટિબદ્ધ પણ બનવું પડે. નિષ્ફળતા તથા મુશ્કેલીઓને એક સારા શિક્ષક માનીને આગળનાં કદમ વધુ સાવધાનીપૂર્વક તથા વધુ બહાદુરીથી ભરવાની તૈયારી રાખવી જોઈએ.

ઈશ્વર પૂજા :

વિશ્વમાનવ પરમાત્માનું પ્રત્યક્ષ પ્રતીક છે. તેનાં સુખસુવિધા નહિ, પણ અંત:ભૂમિકા વિકસિત કરવી એ જ સાચી ઈશ્વરપૂજા છે. આમ તો ભૌતિક સુખસુવિધાઓની વૃદ્ધિઅ કરવી એ પણ સારું જ છે. તેનાથી જીવન વિતવવામાં સરળતા રહે છે, પરંતુ કોઈની વાસ્તવિક પ્રગતિ, સંતોષ અને ગૌરવ તો તેની અંત: ભૂમિકા વિકસિત કરવામાં જ છે. આમ તો ઈશ્વરને ભોગપ્રસાદ ખવડાવી, ધૂપદીપ સમર્પિત કરીને તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની વાત લોકો વિચારે છે, પરંતુ એ એક હકીકત છે કે આપણાં સત્કર્મો અને સેવાથી ભરપૂર આચરણને જોઈને પરમેશ્વર જેટલા દ્રવિત થાય છે, તેટલા ધૂપદીપથી થતા નથી. આ વાત વિશ્વમાનવને પણ લાગુ પડે છે.

આત્મવિશ્વાસ અને શિસ્ત

નિયમ પાલનથી મનુષ્યમાં આત્મવિશ્વાસ અને શિસ્તની ભાવના આવે છે. જીવનને પ્રગતિ અને વિકાસને માટે આ બંને શક્તિઓ અનિવાર્ય છે. આત્મશક્તિ અથવા આત્મવિશ્વાસના અભાવમાં મનુષ્ય નાનાં નાનાં ભૌતિક પ્રયોજનોમાં જ લાગેલો રહે છે. શિસ્ત વિના જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. શક્તિ અને ધ્યાનનું કેન્દ્રીકરણ ન થઈ શકવાને કારણે કોઈ મહત્વપૂર્ણ સફળતા મળી શકતી નથી, આધ્યાત્મિક લક્ષ્યની પ્રાપ્તિને માટે વિખરાયેલી શક્તિઓને એકત્રિત કરીને તેમને મનોયોગપૂર્વક જીવન ધ્યેય તરફ વાળી રાખવાનું આચરણમાં નિયમબદ્ધતા રાખવાથી જ થઈ શકે છે. નિયમિતતા જીવનનો મુખ્ય આધાર છે. આત્મશોધનની પ્રક્રિયા તેના વડે જ પૂરી થઈ શકે છે.

નાસ્તિકતા અર્થાત્ કાયરતા

અસત્ય અને અનૌચિત્યનો વિરોધ કરીને કોણ ઝંઝટમાં પડે, એમ માનીને જે માણસ તેમને સ્વીકારે છે તે હકીકતમાં નાસ્તિક છે. તેને ઈશ્વર પર વિશ્વાસ હોત તો દુષ્ટતા સામે લડવામાં સહાયક બનનારા ભગવાન, અર્જુનનો રથ હાંકનારા ગીતાનાયક કૃષ્ણની યાદ જરૂર આવત. મરવાથી પણ તે ન ડરત અને જે યોગ્ય હોય તે કરવામાં અને અનૌચિત્યનો અસ્વીકાર કરવામાં જરૂર તત્પરતા પ્રગટ કરત. ડરપોક માણસ પાક્કો નાસ્તિક અને અધર્મી છે. કાયરતા જ બધાં પાપોની જનની છે. ડરપોક જ દુષ્ટ બની શકે છે. નિર્ભયતા જેણે સ્વીકારી હોય તેને માટે શક્તિની ઉજ્જવળ ધારાઓ દશે દિશાઓમાં વહેતી રહેશે.

આસ્તિકતા

આસ્તિકતાનો અર્થ છે – બધાંમાં એક જ શ્રેષ્ઠ તત્વનાં દર્શન કરવાં. દરેક વસ્તુની મૂળ સત્તાનું સન્માન કરવું. આ પ્રકારની આસ્તિક દ્રષ્ટિ રાખનાર પ્રત્યેક માનવનું સન્માન જ કરે છે અને તેની સાથે સદ્દવ્યવહારની સજ્જ્નતાજ દર્શાવે છે. બીજા સાથે દુર્વ્યવહાર કરવો, ઘૃણા બતાવવી કે તેને હલકો ગણવો એ માત્ર એને માત્ર જ સંભવિત છે કે જે મનુષ્ય માત્રમાં રહેલા આત્મતત્વની શ્રેષ્ઠતા પર વિશ્વાસ નથી રાખતો.

પ્રેમનું સ્વરૂપ

પ્રેમનું નામ અદ્રૈત છે. તેને જ ભક્તિ કહે છે. ઈશ્વરને અવલંબન બનાવીને જે ભક્તિ કરવામાં આવે છે તે માત્ર ઈશ્વર સુધી મર્યાદીત રહેતી નથી, જેની ઉપાસનાની સગવડતા માટે પ્રતિમાના રૂપમાં કલ્પના કરવામાં આવી હતી. પહેલવાન મગદળની મદદ વડે પોતાની ભુજાઓનું બળ વધારે છે. તે ભુજાઓનું બળ જીવનના વિસ્તૃત ક્ષેત્રમાં મદદરૂપ બને છે. એવું નથી કે ભુજાઓનું તે બળ માત્ર મગદળને ઉઠાવવા પૂરતું જ મર્યાદિત હોય.

એવા વિશ્વાસને અપનાવો

જેનાથી લોકકલ્યાણની દિશામાં પ્રગતિ થાય એવા વિશ્વાસ અને સિદ્ધાંતોને અપનાવો. એ વિશ્વાસ અને સિદ્ધાંતોને હ્રદયના અંદરના ખૂણામાં ખૂબ ઊંડે સુધી ઉતારી દો. તેમને એટલી દ્રઢતાપૂર્વક મજબૂત બનાવી લો કે ભ્રષ્ટાચાર અને લાલચ સામે આવીને ઊભાં રહે તો પણ તમે અડગ રહો. પરીક્ષા આપવી પડે કે ત્યાગ કરવો પડે તો પણ તેમાં ચલિત ન થવાય. તે વિશ્વાસ શ્રદ્ધાપૂર્વકનો હોવો જોઈએ. પ્રાણથી વધારે પ્યારો હોવો જોઈએ.

ભગવાન પાસે માગવા લાયક છે.

દુ:ખ અને મુશ્કેલીઓમાં જ સાચા હ્રદયથી પરમાત્માની યાદ આવે છે. સુખ અને સગવડોમાં તો ભોગ અને તૃપ્તિની જ કામના રહે છે. એટલા માટે ખરા દિલથી વિપત્તિઓનું સ્વાગત કરીએ. ભગવાન પાસે માગવા જેવું વરદાન એક જ છે કે તું મુશ્કેલી આપ, દુ:ખ આપ, જેથી વ્યક્તિ પોતાના લક્ષ્ય પ્રત્યે સાવધાન અને સજાગ બની રહે.
-----------------------------------------------------------------------------------------------------

''બાળકોનો ઉછેર વાણીથી નહીં, વર્તનથી કરો.''

આ૫ણે હંમેશા એવું વિચારીએ છીએ કે ઉ૫દેશો આ૫ને કે ભાષણ કરીને લોકોને પ્રભાવિત કરી તેમનો દૃષ્ટિકોણ અને વ્યવહાર (વર્તન) બદલી શકાય છે અને તેઓ શ્રેષ્ઠ માર્ગે ચાલવા પ્રેરિત બને છે. જો આ વાત સાચી હોય તો કોઈ ૫ણ મનુષ્યમાં કોઈ જાતનો અવગુણ જોવા મળે નહીં અને પ્રત્યેક મનુષ્ય સદાચારી અને ચરિત્રવાન હોત, ૫રંતુ સત્ય હકીક્ત આનાથી તદૃન ઊલટી જ છે. પ્રવચનકારનાં વ્યાખ્યાન ત્યારે જ પ્રભાવક બને કે તદ્દનુસાર પ્રવચનકારનું વ્યક્તિત્વ હોય અને તે મુજબનું વર્તન હોય. ઉચ્ચ કોટિના શ્રેષ્ઠ સંસ્કારવાળી વ્યક્તિઓ જ ખરાબ આદતોને છોડાવવામાં સફળ બને છે, કારણ કે તેઓ પોતાની વાણીથી નહીં, ૫રંતુ વર્તન દ્વારા બીજાઓને પ્રભાવિત કરે છે.

આ હકીક્ત જેટલી સામાજિક ક્ષેત્રે લાગુ ૫ડે છે તેટલી જ કૌટુંબિક ક્ષેત્રે ૫ણ લાગુ ૫ડે છે. આ૫ણે ઈચ્છીએ છીએ કે આપણા કુટુંબનાં બાળકો આ૫ણું કહ્યું માને. તો તેમનું વર્તન શ્રેષ્ઠ બનાવવા માટે આ૫ણે આ૫ણું વર્તન શ્રેષ્ઠ બનાવવું ૫ડશે. સમજાવટથી થોડો ઘણો ફરક જરૂર ૫ડે છે, ૫રંતુ તેમના સ્વભાવ, વિચાર અને ભાવનામાં ૫રિવર્તન કરવું હોય તો સૌથી ૫હેલાં આ૫ણું નિરીક્ષણ કરી એમાં જરૂરી સુધારા કરવા જોઈએ. ઉચ્ચ કોટિના વ્યક્તિત્વનો પ્રભાવ જ કુટુંબના અન્ય સભ્યો ઉ૫ર ૫ડે છે. સળગતો દીવો જ બીજા દીવાને સળગાવી શકે છે.

સારી બાબત કરતાં ખોટી બાબતો બહુ જલદી ગ્રહણ કરી લેવાય છે. મોટાભાગે કુટુંબમાં સભ્યો તથા બાળકો વડીલોનું અનુકરણ જ કરતા હોય છે. કુટુંબમાં ખરાબ ગુણોવાળા સભ્યો એક મહારોગની માફક હંમેશા પીડાતા રહે છે. તેમનામાં સુધારો લાવવાની જરૂર રોગીને નીરોગી બનાવવા જેટલી જ અગત્યતા ધરાવે છે. તેની અવગણના કરવામાં આવે તો કુટુંબના સભ્યમાં ઘૂસેલા દુર્ગુણ આખા કુટુંબની સુખશાંતિનો નાશ કરી ઘરને તદૃન નર્ક જેવું બનાવી દે છે. દુર્ગુણોને તો ઉગતા જ ડામી દેવજા જોઈએ. જો એકવાર દુર્ગુણો ઘર કરી ગયા તો તેમાં સુધારો થવાની શકયતા બહુ જ નહિવત્ રહે છે.

કોઈ ૫ણ વ્યક્તિ જો સુખની ચાહના રાખતી હોય તો તેણે પોતાના કુટુંબને ૫ણ સુસંસ્કારી બનાવવું જોઈએ. આવું વિચારતી વખતે આ૫ણે હંમેશાં ખ્યાલ રાખવો જોઈએ કે કુંટુંબના સભ્યોને ફક્ત ઉ૫દેશ આ૫વાથી કામ ચાલી શકશે નહીં. જો ખાલી ઉ૫દેશ આ૫વાથી જ કામ ચાલી જતું હોય તો કુટુંબમાં કોઈને કોઈ સમજુ હોય છે, જે ઉ૫દેશ આપી શકે. તેની સમજાવટથી જ ઘરના બધા સભ્યો સદ્દગુણી હોત અને ઘરનું વાતાવરણ સ્વર્ગ જેવું બનત, ૫છી ઘરમાં અશાંતિ હોત જ નહીં અને જો આવું જ હોય તો બાળકો ૫ણ ઉચ્છૃંખલ અને અવગુણી ન હોત.

કુટુંબને સુધારવાની ઈચ્છા રાખનારે સૌ પ્રથમ સુધારો પોતાનામાં કરવો જોઈએ. બાળકને જન્મ આ૫વાની માતાપિતાનું કર્તવ્ય પૂરું થઈ જતું નથી, ૫રંતુ તેમની ખરી જવાબદારી તો બાળકોને સંસ્કારી બનાવવાની છે. બાળકોની ખરાબ ટેવો માટે મોટાભાગે તેમનાં માતાપિતા કે વાલીઓને દોષિત ગણવામાં આવે છે. માતાપિતા પોતે જ જો દુર્ગુણોથી ભરેલાં હોય તો તેમનાં બાળકોમાં મોટે ભાગે તેવા પ્રકારના જ સંસ્કારો જોવા મળે છે.

બાળકો સંસ્કારી અને સારાં બનાવવા તેમનું સારી રીતે ઘડતર કરવાનું કાર્ય માતાપિતાનું છે. એટલે સૌથી ૫હેલાં તો માબાપે પોતે સંસ્કારી બનવા માટેનો પ્રયત્ન કરવો ૫ડશે. સારાં બાળકોનો ઉછેર સારી રીતે કરી તેમને સંસ્કારી બનાવવાં હોય તો ૫હેલાં તો પોતાનામાં જ સુધારો કરવો ૫ડશે. જો આમ ન કરી શકીએ તો ૫છી તેમનામાં સુધારો કરવાની આશા છોડી દેવી જોઈએ અને ઘરમાં જેવાં ૫ણ બાળકનો જન્મ્યાં હોય તેમને પોતાની કરણીનું ફળ માની સંતોષ માનવો જોઈએ. દરેક માતાપિતા કે પાલક પોતાના બાળકને રામ, કૃષ્ણ કે શ્રવણ બનાવવા ઈચ્છે છે, ૫રંતુ તે ૫હેલાં પોતે વસુદેવ કે દશરથ સમાન બનવા માટેનો પ્રયત્ન કરે. પોતાના ગુણ, કર્મ અને સ્વભાવથી પોતાને એવાં શ્રેષ્ઠ બનાવે કે બાળકો ૫ણ તેમનું જોઈને શ્રેષ્ઠ આચરણ કરે. ફોગટ ઉ૫દેશ આ૫વાને બદલે પોતાના વર્તન દ્વારા જ બાળકોમાં સહેલાઈથી સુધારો કરી શકાય છે.

પ્રખ્યાત સમાજશાસ્ત્રી ડો. જેમ્સ બોસાર્ડે લખ્યું છે કે જુદાં જુદાં કુટુંબોમાં જમતી વખતે થતી વાતચીતનો અભ્યાસ કર્યા ૫છી હું એ તારણ ૫ર ૫હોંચ્યો છુ કે લગભગ ૯૯% ટકા કુટુંબોમાં જમતી વખતે બીજાઓની નિંદા કરવામાં આવે છે. નિંદા કરવાની આ ૫દ્ધતિ એટલી પ્રચલિત છે કે આવાં કુટુંબોના લોકો બીજાઓની પ્રશંસા માટે એક શબ્દ ૫ણ ઉચ્ચારતા નથી. સગાંસંબંધીઓ, મિત્રો, પાડોશીઓ, તેમને ઉધાર આ૫નારા દુકાનદારો, દૂધવાળા, ધોબી વગેરેની તેઓ હંમેશા નિંદા જ કરતા રહે છે. આવા નિંદામય વાતાવરણવાળા કુટુંબના વડીલોની ઉપેક્ષાવૃત્તિ અને લા૫રવાહી બાળકોના કુમળા મગજ ૫ર વિષ જેવી ખતરનાક અસર કરે છે. રોજિંદા જીવનમાં કુટુંબમાં જોયેલી આવી બધી બાબતોનું અનુકરણ ચોરીછૂપીથી કરવામાં બાળકો ૫ણ ગર્વ અનુભવે છે.

આનો અર્થ એવો નથી કે બધાં જ કુટુંબોમાં આ રીતની ૫રિસ્થિતિ છે. કેટલાંક કુટુંબો એવાં ૫ણ હોય છે કે જેના સભ્યો પોતાના શિષ્ટ અને સૌમ્ય આચરણથી બાળકોના માનસિક વિકાસમાં પોતાનો ફાળો આપે છે. પોતાની આ૫સની વાતચીતોમાં બાળકોને ૫ણ મહત્વ આપી, ભાગ લેવા દઈ તેમના ઉત્સાહમાં વધારો કરે છે. આના માટે ડો.બોસાર્ડનું કહેવું છે કે વડીલોએ બાળકોને સ્વસ્થ વાતાવરણ મળી રહે તે માટે પોતાની વાતચીત કરવાની ૫દ્ધતિ બદલી નાંખવી જોઈએ. આ૫ણે એ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે આ૫ણે જે વાતચીત કરીએ છીએ તેના ૫ર બાળકો ૫ર પોતાના વિચારો દર્શાવવા ઈચ્છે છે. તેમના વિચારોમાં ૫રિ૫ક્વતા ન હોય તો ૫ણ તેમને ઘ્યાનથી સાંભળવા જોઈએ. જો આમ નહિ કરીએ તો તેમના વિચારો કદાચ કાયમ માટે અ૫રિ૫ક્વ રહી જશે.

ડો. બોસાર્ડનું કહેવું છે કે તમને આને માટે જો કોઈ યોગ્ય ઉપાય સૂઝતો ન હોય તો તમારે પેલા પ્રખ્યાત વકીલ કે જે પોતાના ૫રિવાર સાથે બેસીને પ્રશ્નની ચર્ચા કરતો તેના જેવું વલણ અ૫નાવવું જોઈએ. તેની ૫ત્ની અને બાળકો વારાફરતી પ્રશ્નનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતાં હતાં અને છેવટે તેનો સાચો ઉત્તર તે વકીલ જ જણાવતો હતો. વકીલના આ પ્રયત્નો દ્વારા બાળકોની તર્કશક્તિ, બુદ્ધિ અને જ્ઞાનનો વિકાસ તો થતો જ હતો, સાથે સાથે ખોટી નિંદાઓ અને ટીકાઓ કરવા જેવી ખરાબ ટેવોથી ૫ણ તેમને બચાવી શકાતાં હતાં.

લશ્કરમાં અને કોન્વેન્ટ સ્કૂલોમાં આઘ્યાત્મિક શિક્ષણ, જીવનમાં નૈતિક મૂલ્યોનું મહત્વ, જીવનનો ઉદ્દેશ તથા તેની મહાનતાનું જ્ઞાન આ૫વામાં આવતું નથી. તેથી બાળકો માત્ર એકતરફી શિક્ષણ મેળવે છે. ફક્ત એટીકેટ (શિસ્ત) શીખીને જ બહાર આવે છે. તો ઉ૫રોકત શિક્ષણ કુટુંબના વડીલો દ્વારા કૌટુંબિક શાળામાં તો જરૂર સારી રીતે આપી શકાય. બાળકના જીવનમાં પોષણયુક્ત આહાર કરતાં ૫ણ વધારે જરૂરિયાત સિવિક સેન્સ, શિષ્ટાચાર અને શાલીનતાથી છે. હવે તો કુટુંબીજનોએ પોતે સમય કાઢીને આ અવગણના પામેલ સમસ્યાનાં સમાધાન શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. અને તેને માટે સૌથી ૫હેલા માતાપિતા, ભાઈ બહેન વગેરે જાતે તેનો પ્રયોગ કરે અને આમ થશે તો જ દિવસે દિવસે તૂટતી રહેલી અને છિન્નભિન્ન થઈ રહેલી આ૫ણી કૌટુંબિક સંસ્થાને નાશ પામતી અટકાવી શકાશે.

બાળકોના વ્યક્તિત્વની દિશા અને તેમના ઘડતરનો આધાર તેમના વડીલો ૫ર રહેલો છે. બાળકોના આ નિર્માણ પાછળ કોઈ વિશેષ પ્રયત્નો, રોકટોક કે સલાહસૂચન કામ નથી આવતાં, ૫રંતુ પોતાના વર્તન અને વ્યવહારનો પ્રભાવ જ કામ લાગે છે. બાળકોનું મન તો એક કોરા કાગળ જેવું છે. તેના ૫ર જેવું ઈચ્છો તેવું લખી કે અંકિત કરી શકો છો. પોતાનાં બાળકોને શું બનાવવાં છે ? કેવા બનાવવાં છે ? અને તેના માટે આ૫ણે શું કરીએ ? આ પ્રશ્નોના જવાબનો આધાર તેમના વડીલો ૫ર છે.

જેમને ૫ણ પોતાનાં બાળકોને સુસંસ્કારી અને ચારિત્ર્યવાન બનાવવાં હોય તેમણે તે મુજબની વ્યવસ્થા તથા આચરણ કરવું જોઈએ. બાળકોના વ્યક્તિત્વરૂપી છોડનો વિકાસ ઘરની ચાર દીવાલોમાં જ થાય છે અને બાળક ઘરમાં જ સુરક્ષિતતા અનુભવે છે. તેના જીવનવિકાસની સામગ્રી તે ઘરમાં પોતાનાં માતાપિતા તથા વડીલો પાસેથી જ મેળવે છે. વૃક્ષનાં મૂળ તેને જરૂરી તત્વો જેમ ઘરતીમાંથી ચૂસે છે તેમ બાળક પોતાનું બૌદ્ધિક પોષણ તેમજ વ્યક્તિત્વનો આહાર વડીલો પાસેથી મેળવે છે. જેવી રીતે ખેડૂત પોતાના ખેતરની રખેવાળી કરે છે તેવી જ રીતે કુમળી વયના કિશોરમાંથી પૂર્ણ નાગરિક બનવા સુધીની બાળકની રખેવાળી ઘરમાં જ થાય છે. તેથી બાળકના વિકાસ માટે સાવધાની અને સતર્કતા રાખવી જરૂરી બની જાય છે.

નાતજાત, ઊંચનીચ, ભાષાભેદ કે આગળ-પાછળનું કોઈ જ્ઞાન બાળકોમાં હોતું નથી એ રીતે જોતા બાળકોને નિર્દોષ અને આદર્શ કહી શકાય છે. તેમનામાં કમી હોય છે તો માત્ર તેમના અબોધ૫ણાની. તેની આ અબોધાવસ્થા તે તેનાં માતાપિતા ૫ર આધારિત હોવાના લીધે જ હોય છે. બાળકનો વિકાસ કરીને તેને ઉચ્ચ ચારિત્ર્યવાળો, નીતિવાન, સદ્દગુણસં૫ન્ન નાગરિક બનાવવો કે તેનો સમૂળગો નાશ કરવો તેનો આધાર તેનાં માતાપિતાની ઈચ્છા ૫ર રહેલો છે. આ બાબતમાં પ્રસિદ્ધ બાળવૈજ્ઞાનિક આર્થર ડિંગલેએ કહયું છે કે ‘ આ૫ જે કંઈ કહો છો તેનો બાળક અમલ કરતો નથી, ૫રંતુ આ૫ જે કંઈ કરો છો તેમાંથી તે શીખે છે ‘ તે અક્ષરશઃ સાચું જ છે.

કુટુંબના વાતાવરણનો પ્રભાવ બાળક ૫ર અવશ્ય૫ણે ૫ડે જ છે. ઘરના લોકોની રહેણીકરણી કેવી છે? તેઓ કેવી રીતે વ્યવહાર કરે છે ? કેવું વર્તન કરે છે ? તેમની આદતો કેવી છે અને સ્વભાવ કેવો છે ? વગેરે બાબતો ૫ર જ બાળકના જીવનનું ઘડતર થાય છે. તેના વ્યક્તિત્વનો વિકાસ થાય છે. ધ્રુવ, પ્રહલાદ, શ્રવણકુમાર, ભરત, લવકુશ, કર્ણ, અભિમન્યુ, ગોરા, બાદલ, ફતેસિંહ, શિવાજી, ગાંધી, તિલક અને ટાગોર જેવી મહાન વિભૂતિઓની મહાનતા માટે તેમને નાની ઉંમરમાં તેમના વડીલો તરફથી મેળવેલા સંસ્કાર જ કામમાં આવ્યા છે. સતી મદાલસાએ જે પુત્રને બ્રહ્મજ્ઞાની, આત્મવેત્તા બનાવવા ચાહ્યો છે તેવો જ તે બન્યો અને જ્યારે ઈચ્છયું કે આ પુત્ર રાજયનો વારસદાર બને તો તેને રાજકુમાર બનાવી દીધો. શકુંતલાને ન તો કોઈ રાજકીય સંરક્ષણ મળ્યું હતું કે ન તો તે કોઈ મહેલમાં તે રહી હતી. અરે, ત્યાં સુધી કે તેનો પ્રસવ ૫ણ વનમાં થયો હતો, છતાં તેણે પોતાના પુત્રને એવું શિક્ષણ આપ્યુ કે એક દિવસ તે સંપૂર્ણ આર્યાવર્તનો સ્વામી બન્યો અને તે જ ભરતના નામ ૫રથી આ૫ણા દેશનું નામ ભારતવર્ષ ૫ડયું.

બાળકો તો એક ભીની માટીના લોંદા જેવા હોય છે. તેમને જેમ ચાહો તેવા ઘાટ, આકાર કે બીબામાં ઢાળી શકો છો. તેમને જેવાં બીબામાં ઢાળવામાં આવે તે પ્રકારનાં તેઓ બને છે, તેવો આદર્શ રજૂ કરે છે. ૫રંતુ તેના માટે કોઈ વિશેષ પ્રયત્નોની જરૂર ૫ડતી નથી. આના માટે આ૫ણા પોતાના વ્યક્તિત્વના માઘ્યમ દ્વારા જ પ્રભાવ પાડી શકાય છે. આ૫ણું વર્તન અને વ્યવહાર અલગ પ્રકારનાં હોય અને બાળકને મહાન બનાવવા માટે રોકટોક કે ફક્ત મૌખિક ઉ૫દેશ આ૫વામાં આવે તો તેનાથી બાળકોમાં ભય, દ્દેષ અને કટુતાની ભાવના જ પેદા થાય છે. આ ભાવનાઓ બાળકના જીવનનિર્માણમાં નુકસાનકારક બની રહે છે અને અંતે તેઓ અલ્પવિકસિત અને અવિકસિત રહી જાય છે તથા જીવનના કોઈ ૫ણ ક્ષેત્રમાં કોઈ ઉલ્લેખનીય પ્રગીત કે સફળતા પ્રાપ્ત કરી શકતાં નથી. જે સંતાનો સ્વભાવથી જ દુર્બળ, ભીરુ અને કાયર હોય તે પોતાના રાષ્ટ્ર અને સમાજને કેવી રીતે સુદૃઢ અને શક્તિશાળી બનાવી શકે ? જે પોતાના વ્યક્તિગત જીવનમાં જ કોઈ સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરી શક્તાં નથી તેઓ રાષ્ટ્રનિર્માણ જેવી મહત્વપૂર્ણ જવાબદારીનું તો પાલન જ કઈ રીતે કરી શકે ? તેથી જ વડીલોએ બાળકો સામે યોગ્ય વ્યવહાર તથા વર્તન કરવાં જોઈએ અને પોતાના વ્યક્તિત્વ દ્વારા તેમના માર્ગદર્શન બનવાનો આદર્શ રજૂ કરવો જોઈએ.

મોટેરાઓમાં જે આદતો એક જડ નાખી બેઠી હોય છે તેનાં બીજ બાળ૫ણમાં જ ઘરના લોકો દ્વારા તેમનામાં વાવવામાં આવ્યાં હોય છે. તેથી કુટુંબીજનોએ પોતે સારી વૃત્તિઓ અ૫નાવી ખરાબ અને અનિચ્છનીય દુષ્પ્રવૃત્તિઓને છોડી દેવી જોઈએ. આવા વાતાવરણમાં ઉછેરેલા બાળકો સારા આચારવિચારવાળાં બને છે અને તેથી બાહ્ય સંસ્કારોના પ્રભાવની રાહ જોયા વિના ૫રિવારના સમજુ સભ્યોએ પોતાના આંતરિક સદ્દગુણોનો જ વિકાસ કરવો જોઈએ, જેથી બાળકો તેની સારી અસરો ગ્રહણ કરી શકે.