સોનેરી સુવાક્યો



ચકમક ૫થ્થર સો વર્ષ સુધી પાણીમાં ૫ડયો રહે, તો ૫ણ તેનો અગ્નિ નષ્ટ થતો નથી. તેને પાણીમાંથી બહાર કાઢી બીજા ૫થ્થર સાથે ઘસતાં જ ચિનગારીઓ નીકળવા લાગે છે. એ જ રીતે ઈશ્વર ૫રવિશ્વાસ રાખનાર વ્યક્તિ ભલે હજારો અ૫વિત્ર સંસારીઓ વચ્ચે ૫ડી રહે, તો ૫ણ તેની શ્રદ્ધા અને ભક્તિ ટકી રહે છે..

પોતાના હાથની કમાણીનો ભરોસો રાખો , ઓલાદનો નહિ ,
એક બાપ દસ દીકરાને ઉછેરી શકે છે,
પરંતુ દસ દીકરા એક બાપને સંભાળી શકતા નથી........
માણસ પાસે જે છે એ માણવા માટે તેની પાસે જરા પણ સમય નથી,
પણ જે નથી તેની યાદી બનાવવાના વિચારોમાં કલાકો વેડફે છે.....

માનવ ગરીબ છે કે પૈસાદાર એ એની કમાણી ઉપરથી નહિ,પણ તેની આવક અને ખર્ચ કરવાની પધ્ધતિ ઉપરથી નક્કી થાય છે.જે બચત કરી જાણે છે એ જ સાચો પૈસાદાર છે.બાકી માત્ર કમાઇ જાણનાર.......

સુખ-દુ:ખના સરવાળા માટે જિંદગી નથી ,
જિંદગી છે : અંધારામાં અજવાળા કરવા માટે.........

કેવું નાનું અમથું આપણું જીવન છે.
જાણે ખીલેલા પાંદડા પરનું ઝાકળબિંદુ ............

ગઇ કાલે બનેલી ચિંતાજનક ઘટના જે ભૂલી જાય છે
તેની યાદશકિત ઉત્તમ કહેવાય......

પ્રેમ એકબીજાની સામે જોઇ રહેવામાં નથી , પરંતુ બંને સાથે રહી દૂર દૂર જોવામાં છે.......
તેથી જ તો પ્રેમ ચંદ્રમાં જેવો છે, એ જ્યારે વધતો નથી ત્યારે ઘટવા માંડે છે , પૂર્ણિમાથી અમાસની જેમ......

* સૌંદર્ય નાશવંત છે તે સમજાવવા જ પ્રભુએ પુષ્પો સર્જયા છે.......

 * હ્રદયની લાગણીને શબ્દનું રૂપ આપવાથી
તેની કિંમત ઓછી થઇ જાય છે.......

* મોત ઉસકી જિસકા જમાના અફસોસ કરે ,
વૈસે તો જીતે હે સબ મરને કે લિએ......

* ન ખરચો નૂર આંખોનું કોઇના દોષ જોવામાં ,
દીધી છે આંખ તો પ્રભુએ દ્રશ્યો નિર્મળ નિહાળવા......

* કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે. તેના વગર જીવી ના શકાય

* કોઈ તમારી નિંદા કરીને તમારું NAAM બગાડી શકે છે, પણ તમારું KAAM બગાડી શકતો નથી.

* કંજૂસે દાટેલું ધન ત્યારે જ જમીનની બહાર નીકળે છે ,
જ્યારે કંજૂસ જમીનની અંદર જતો રહે છે.....

* બેઇમાનીના પૈસાથી સુખી થવાનો પ્રયત્ન કરવો એટલે....
ખરાબ રંગ અને ખરાબ પીંછીથી સુંદર ચિત્ર બનાવવા જેવું છે....

* જરા વિચારવા જેવી વાત :-

સાચાની સો પરીક્ષાઓ થાય જયારે ખોટાઓનો લોકો સર્વત્ર આદર કરે છે.
દારૂ વેચનારાઓને ક્યાંય ફરતા નથી; જયારે દુધ વેચવા ઘેર ઘેર ફરવું પડે છે...

* જિંદગી એવી જીવો કે તમારા મૃત્યુના સમાચાર સાંભળીને સમ્શાનની રાખ પણ રડી પડે.

* જીવનમાં કોઇ કામ કર્યા પછી જો તમને થાય કે

* “ આજે મજા આવી ગઇ.”
ત્યારે માનવું કે તમે સાચે જ કામ કર્યું છે.
બાકી તમે કામ પતાવ્યું છે.....!!! :-)

* એક સામાન્ય ગુજરાતી વાક્ય
જે ઘણું બધું કહી જાઈ છે .
"મનમાં રાખીને જીવસો તો .....................
.
.
.
.
.
.
મન ભરીને નહિ જીવી શકો . . . . . . ."


* નિષ્ઠાપૂર્વક કામ કરો , નામ તમારી પાછળ દોડતું આવશે.


* સાવરણી જો કાદવવાળી હોય તો ઘર સાફ થતું નથી

તેમ મન જો બગડેલું હશે તો ઘર કદી સ્વર્ગ બનતું નથી.

આટલી વાત તમામે સમજવાની જરૂર છે.....


* બને ત્યાંલગ વીરા નિર્મળતા તને આપશે પ્રભુ.
ધરમ તું જાળવજે, ધૈર્ય સદા તને આપશે પ્રભુ.
જો શ્રધ્ધા હશેતો, યોગ્ય બધું તને આપશે પ્રભુ.
ના ઈર્ષ્યા કરેતો, માગ્યા વિના બધું તને આપશે પ્રભુ.
દયા દાખવીતો, અઢળક તને આપશે પ્રભુ.


* મોનસૂન = મોંન રહી ને કુદરત ના અવાજ ને સુન


 "ચપટી જેટલું પણ મીઠું રસોઈને સ્વાદિષ્ટ બનવી દે છે ..
ચમચી જેટલું પણ મેળવણ દુધને દહીમાં રૂપાંતરિત કરી
નાખે છે તો બિંદુ જેટલો પણ પ્રેમ, જીવનને તાજગીસભર ,
આંનદસભર, સદગુણસભર બનાવી દે છે ...આવો રસોઈને
મીઠા દ્વ્રારા, દુધને મેળવણ દ્વારા રૂપાંતર કર્યું ..હવે જીવનને
પ્રેમ દ્વારા પ્રસન્નતાસભર અને સદગુણસભર બનાવીએ ".

એક શ્મશાન ની બહાર લખેલું હતું.....
મંઝીલ તો તારી આજ હતી, બસ...
ઝીન્દગી જતી રહી તારી આવતાં આવતાં .....
શું મળ્યું તને આ દુનિયા થી ?
સ્વજનો એજ સળગાવી દીધો તને જતા જતા.....

"હે પ્રભુ,
સંપત્તિ વિનાના જીવનને સ્વીકારી લેવાની તું મને તાકાત
આપે કે ન આપે પણ શ્રદ્ધા વિનાના જીવનને સ્વીકારી લેવાની
તાકાત તો તું મને ક્યારેય નહી આપતો "

શરીર , સૌથી વધુ ઈમાનદાર ! ભૂલ ભલે અંધારામાં કરી હશે ,
અજવાળામાં ય એનું પરિણામ દેખાડશે . મન , સૌથી બેઈમાન !
ગરબડ ભલે અજવાળામાં જ કરી હશે , કોઈ વાતે એ કબુલ કરવા
તૈયાર નહી જ થાય .

સાગરને પૂછો , કેટલી નદીઓને સ્વીકાર્યા બાદ તું નદીઓને
સ્વીકારવાની ના પાડે ?
આગને પૂછો , કેટલા લાકડાને ખાઈ ગયા બાદ તું વધુ લાકડા
ખાવા તૈયાર ન થાય ?
સ્મશાનને પૂછો , કેટલા મડદાના અગ્નિસંસ્કાર બાદ તું વધુ
મડદાના અગ્નિ સંસ્કાર માટે હાથ ઊંચા કરી દે ?
મનને પૂછો , ઇન્દ્રીઓના માધ્યમે કેટલા વિષય- સુખો ભોગવ્યા
બાદ તું તૃપ્તિનો ઓડકાર ખાવા તૈયાર થઈને જ રહે ?

માણસ રોગના કાળમાં આરોગ્ય નિયમ વધારે સાચવે છે .
એમ પાપોદયના કાળમાં ધર્મ નિયમ વિશેષ પાળવા જોઈએ ,
પણ કેમ જાણે પાપ- પુણ્યની શ્રદ્ધા ન હોય ! પરલોક જવાનું
જ ન હોય , પપોદયના કાળમાં ધર્મનો વિચાર જ નથી .

જો સત્યવચન એ હોઠનું સૌન્દર્ય છે , પવિત્રતા એ આંખનું
સૌન્દર્ય છે , પ્રસન્નતા એ ચહેરાનું સૌન્દર્ય છે , પ્રાર્થના એ
હ્રદયનું સૌન્દર્ય છે , પરોપકાર એ હાથનું સૌન્દર્ય છે ; પરંતુ
મનની સદાબહાર શાંતિ એ તો જીવનનું અમુલ્ય સૌન્દર્ય છે .

વાતે વાતે જેને " ઓછુ" આવી જાય અને વાતે વાતે જેને
"ખોટું" લાગી જાય એની સાથે દોસ્તી કરવાથી દુર રહેજો કેમ કે
એને ખુશ રાખવાના પ્રયત્નમાં જ તમારી આખી જિંદગી પૂરી
થઈ જશે .

પારકાને પોતાના કરવા એના કરતા જે પોતાના છે એને જ
વ્હાલા કરવા એ સંબંધના જગતનો ક્હો તો સંબંધના જગતનો
અને પ્રેમના જગતનો ક્હો તો પ્રેમના જગતનો બહુ મોટો પડકાર છે .

પૈસા પાપનું પ્રતિનિધિત્વ ધરાવે છે જયારે પ્રેમ એ પ્રભુનું
પ્રતિનિધિત્વ ધરાવે છે . બચી જતો પૈસો જીવનમાં દુર રહેલા
પાપોને નજીક લાવતો રહે છે, જયારે વધતો જતો પ્રેમ હ્રદયથી
દુર રહેલા પ્રભુને નજીક લાવતો રહે છે

સિક્કો લાગી ગયેલ સ્ટેમ્પની ટીકીટ જો આપોઆપ પોતાનું મુલ્ય
ગુમાવી બેસે છે ...તો જે દુઃખનો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર થઈ જાય છે
એ દુખ આપોઆપ પોતાની તાકાત ગુમાવી બેસે છે ..યાદ રાખજો .
દુખની તાકાત દુઃખમાં નથી પણ એના અસ્વીકારભાવમાં છે .
યાદ રાખજો , આ જિંદગી તો પ્રભુને ખુશ રાખવા અને એના
દ્વારા આત્માને સુખી બનાવી દેવા મળી છે . એ સિવાય આ
જીંદગીમાં બીજું કશું જ કરવાની જરૂર નથી .

જ્યાં લાગણીને કામે લગાડવાની છે ત્યાં તમે વિચારને કામે
લગાડો છો . જ્યાં તમારા હ્રદયને કામે લગાડવાનું છે ત્યાં તમે
બુદ્ધિને કામે લગાડો છો . જ્યાં તમારે વિશ્વાસ રાખીને તમારી
લાગણીને ધબકતી રાખવાની છે ત્યાં તમે શંકા રાખીને તમારી
લાગણીની સ્મશાનયાત્રા કાઢી રહ્યા છો .

આજે આપણે પ્રતિજ્ઞા લઇ લો કે " જીવનમાં ક્યારેય છુટાછેડા -
ગર્ભપાત - બ્લુફિલ્મ અને વૃધ્ધાશ્રમ આ ચાર અધમતમ એવા
વાઈડ બોલને તો આપણે છંછેડવાની ભૂલ નહી જ કરીએ "


* કંટક સ્વીકાર્ય ન હોય એણે પુષ્પ માટે વલખા મારવા નહી .
કાદવ સ્વીકાર્ય ન હોય એણે વરસાદ માટે પ્રાર્થના કરવી નહી .
કલંક માન્ય ન હોય એણે ચંદ્ર સામે જોવાની મહેનત કરવી નહી .
સુર્યાસ્ત કબુલ ન હોય એણે સૂર્ય પાછળ પાગલ બનવાની જરૂર નહી .
વ્યક્તિના દોષો સ્વીકાર્ય ન હોય એણે એ વ્યક્તિ સાથે પ્રેમ કરવાની
ભૂલ કરવી નહી .

* ખુદાની મને મહેરબાની ઘણી છે, ઘણાની મહોબ્બત અને લાગણી છે. ધરા ધ્રુજશે તોય પડશે નહિ એ, મોહબ્બતની ઊંચી ઈમારત ચણી છે. અમસ્તી નથી નામના થઇ અમારી, અમે વાવણી જે કરી તે લણી છે. ઘણા જિંદગી સો વરસની ગણે છે, અને જિંદગી એક પળની ગણી છે. બધે પેશ આવ્યા અમે લાગણી થી, અમે લાગણી લોહી સાથે વણી છે. મને એવા 'આઝાદ' મિત્રો મળ્યા છે, જે મિત્રો નથી કિન્તુ પારસમણી છે....

* અબજોપતિને આંખ સામે ભિખારી થતો જોવા છતાં , ....
૨૫ વરસની રૂપવતી સ્ત્રીને કેન્સરની વેદનામાં રિબાતી જોવા છતાં ,
૨૨ વરસના યુવકના શરીરને આપઘાતમાં મરણને શરણ જોવા છતાં ,
આબરૂદાર વ્યક્તિની આબરૂના પળવારમાં ધજાગરા ઉડી ગયાનું જાણવા
છતાં પણ હ્રદયમાં જો કોઈ સ્પન્દનો કે કંપનો પેદા ન થતા હોય તો
સમજવું પડે કે ત્યાં હ્રદય નહી પણ મશીન ગોઠવાયું હશે .

* દોરડે બંધાયેલ ગાયને ગોવાળ જ્યાં લઇ જાય છે ત્યાં જવું પડે છે .
સાંકળે બંધાયેલ હાથીને મહાવત જ્યાં લઇ જાય છે ત્યાં જવું પડે છે .
બેડીએ બધાયેલ કેદીને જેલર જ્યાં લઇ જાય ત્યાં જવું પડે છે .....
બસ, એ જ ન્યાયે વાસનાને અને કષાયને પરવશ બનેલા આત્માને
કર્મસત્તા જ્યાં લઇ જાય છે ત્યાં જવું પડે છે .

* સંપત્તિની ચોરીમાં તો ગુનાના દર્શન પણ થાય છે અને આગળ
વધતા પાપના પણ દર્શન થાય છે પરંતુ જાલિમ દુષ્કાળમાં જયારે
હજારો -લાખો પશુઓ ઘાસ- પાણી વિના તરફડી તરફડીને મરી રહ્યા
હોય, હજારો - લાખો ગરીબો દાણા-પાણી વિના પરલોકમાં જવાની રાહ
જોઇને બેઠા હોય , એવા સમયે સંપત્તિના સંગ્રહના ગુનાના કે પાપના
દર્શન થાય છે ખરા? યાદ રાખજો , સંપત્તિ બચાવવા કરતા સંપત્તિથી
કોકને બચાવી લેવા એ વધુ મહત્વનું કાર્ય છે .

* લાકડા આગને બુઝાવતા નથી પણ સતેજ કરે છે ,એ સમજ
મગજમાં બરાબર સ્થિર ગઈ હોવાના કારણે માણસ આગને
ઠારવા ક્યારેય લાકડાને જતો નથી પણ સંપત્તિ ઇચ્છાઓને
સંતોષવાને બદલે સતેજ કરે છે , એ સમજ મગજમાં બેઠી
નથી એટલે ઇચ્છાઓને સંતોષવા માણસ સંપત્તિનું શરણ
જ શોધતો ફરે છે . રે કરુણતા ?

* સિક્કો લાગી ગયેલ સ્ટેમ્પની ટીકીટ જો આપોઆપ પોતાનું મુલ્ય
ગુમાવી બેસે છે ...તો જે દુઃખનો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર થઈ જાય છે
એ દુખ આપોઆપ પોતાની તાકાત ગુમાવી બેસે છે ..યાદ રાખજો .
દુખની તાકાત દુઃખમાં નથી પણ એના અસ્વીકારભાવમાં છે .

* તોતડાપણું એ બળવાન માણસની પણ કમજોરી હોય શકે છે ,
પણ યાદ રાખજો કે તોછડાપણું એ તો નબળા માણસની પાશવી
અને રાક્ષસી તાકાત છે .
તોતડું બોલનારની નજીક રહેવું હોય તો ખુશીથી રહેજો ...એને
હુંફ મળશે પણ તોછડું બોલનારથી તો દુર જ રહેજો .
તમારા મનની પ્રસન્નતા ટકી રહેશે .


* બાળક વધુ સ્તનપાન ન કરી બેસે માટે પરાણે પણ એને
સ્તન છોડાવી દેતી મમ્મી જો ઉપકારી જ ગણાતી હોય
તો ......
આત્મા વધુ પાપો ન કરી બેસે એ ખ્યાલે એને પરાણે પણ
સંપતિથી કે સફળતાથી દુર રાખતા ગુરુ એ આત્મા માટે
પરમ ઉપકારી કેમ ન ગણાય ?


* માણસ મેદાન વચ્ચે આવીને બોલે છે, બીજાને સંભળાય છે .
પણ ગુફામાં બોલે છે , એ પોતાને જ સંભળાય છે .
યાદ રાખજો . કુદરતનું આખું જ ગણિત મેદાનનું ગણિત નથી
પણ ગુફાનું ગણિત છે . અહી તમે જે વિચારશો , જે બોલશો ,
જે કરશો એ બધું ય તમારા તરફ જ પાછુ આવવાનું છે .
સમજીને આગળ વધજો .


* ૮૦ વરસની વયે , દાંત બધા પડી ગયા હોય ત્યારે ....
અખરોટનો ત્યાગ કરી દીધાનો ગર્વ અનુભવવા નો જો
કોઈ અર્થ નથી , તો શરીરની શક્તિઓ ક્ષીણ થઈ ગયી
હોય ત્યારે પાપો છોડી દીધાનો અહંકાર અનુભવવાનો
કોઈ અર્થ નથી .
પાપત્યાગનો આનંદ માણવો છે ? તો શક્તિના કાળમાં
શ્રદ્ધા સાથે પૂર્ણ ત્યાગ કરતા જાવ. ફાવી જશો .


* કેવો વિરોધાભાસ છે ધર્મ અને ધન બંને વચ્ચે ?
જીવનમાં જેમ જેમ ધર્મ વધતો જાય છે તેમ તેમ
સામગ્રીઓ ઓછી કરતા રહેવાનું મન થયા કરે છે .
જયારે તિજોરીમાં ધન જેમ જેમ વધતું જાય છે
તેમ તેમ પોતાની પાસે જે જે વસ્તુઓ નથી એનો
જથ્થો આંખ સામે તરવરવા લાગે છે !!!!!!!!


* વસ્તુની કિંમત ભલે એના પર છપાયેલા " ભાવ" ના આધારે નક્કી
થતી હોય પણ વસ્તુની તાકાત તો એનાથી તમને શું મળે છે અને
એનાથી તમે શું બનો છો , એના આધારે જ નક્કી થાય છે ......
પિક્ચર બનાવતા ભલે કરોડો રૂપિયા લાગ્યા છે ,એ તમને શેતાન
બનાવી શકે છે ! !!!!!!!!!!!!
મંદિર બનાવતા ભલે લાખો રૂપિયા લાગ્યા છે , એ તમને ભગવાન
બનાવી શકે છે ! સાવધાન !!!!!!!!!!!!


* હે પ્રભુ,
સદગુણોનું ભોજન તું મને પછી આપજે , પહેલા એની મને
તું ભૂખ તો લગાડી દે ! પવિત્રતાનું નિર્મળ જળ તું મને પછી
આપજે , પહેલા એની મને તું પ્યાસ તો લગાડી દે ! તું મને
તારા જેવો પછી બનાવજે , પહેલા મને તું તારો અનુરાગી
તો બનાવી દે ! બસ આટલી જ કૃપા કર , મારું કામ થઈ જશે .

* હે પ્રભુ ,
જગત એમ કહે છે કે તારો માર્ગ ખૂબ પ્રતિકુળ છે પણ
મને તો એ જ સમજાતું નથી કે જે માર્ગ પર તું મળતો હોય
અને જે માર્ગ મને "તું" જ બનાવી દેતો હોય એ માર્ગ પ્રતિકુળ
કહેવાય જ શી રીતે ? સંસારી માણસ જે માર્ગે પૈસા મળતા
હોય છે એ માર્ગને ક્યાં પ્રતિકુળ મને છે ?


* કોમ્પ્યુટર મિત્ર છે.ઇન્ટરનેટ સ્વજન છે. ઇ-મેઇલ પરમ સખી છે.બાઇક પ્રત્યે ભલે બંધુભાવ કેળવાય.કાર સગી માસી જેવી ભલે બને.આપણા આ નવ સ્વજનો પ્રત્યે અભાવ કેળવવાની જરૂર નથી.પરંતુ આપણી આસપાસ ફરતી ખિસકોલીનો , બિલાડીનો કે ગાયનો અનાદર ન થવો જોઇએ.
વૈશાખી બપોરે સંભળાતા કોયલના ટહુકા આપણા અસ્તિત્વને ન સ્પર્શે તેવું ન થવું જોઇએ.ક્યાકથી ઓચિંતી આવી પડેલી ટિટોડીનો લયલ્હેરિયો સ્વર આપણા કાને પડે તોય આપણે આપણું કામ યંત્રવત કરતાં રહીએ એવું ન થવું જોઇએ.કોઇ સુંદર કાવ્યપંકિત આપણા માહ્યલાને ઝંક્રુત ન કરી શકે તેટલા યંત્રવત બની જવામાં બ્લડપ્રેશરની સમસ્યાનું જોખમ છે.પ્રક્રુતિનો સથવારો કોમ્પ્યુટરના કારણે છૂટી જ જાય તેવું નથી.કોમ્પ્યુટર પ્રક્રુતિનું દુશ્મન નથી.દુશ્મન તો છે આપણું મન , જેને ઇ-મેઇલ અને ઇશ-મેઇલ વચ્ચેનો તફાવત ખબર નથી.ઇન્ટરનેટના સંદેશાઓની સાથોસાથ આપણી ભીતર પડેલા અંતરનેટના ઇશારા પામવાની કળા માણસ પાસે ન હોય તો ટેક્નોલોજી પૂતના બનીને એને ભરખી જશે.રોગથી બચવા માટે પણ પ્રક્રુતિને સથવારે વારંવાર જવું રહ્યું.કોમ્પ્યુટર ના નહીં પાડે કારણ કે તે આપણું મિત્ર છે ,માલિક નથી.

* રક્તદાન આપનાર અને લેનાર બે અજાણ્યા જણ
એકબીજાને ન મળે તો પણ મળેલા ગણાય.
ખૂન કરનારો , જેને ખતમ કરે તેને મળે છે
અને છતાં ય
મળવાનું ચૂકી જાય છે.
સામી વ્યકિતને મળવાનું , માનીએ તેટલું સહેલું નથી.
કાશ ! આપણે મળી શક્યાં હોત !

* જેઓ કોઇ પ્રેમ વરસાવતું હ્રદય ઝંખી રહ્યા હોય કે
જેઓ એવું હ્રદય પામ્યાના નશામાં હોય કે
પછી જેઓ હ્રદયભંગનું દર્દ વેઠીને ઘાયલ થયા હોય
તેવા સર્વો મિત્રોને મારા તરફથી એક નજરાણું......

* જીવન એટલે
એકલતાના સમુદ્રમાં એક એવો ટાપુ,
જેના પર
ખડકો એ જ આશા ,
વ્રુક્ષો એ જ શમણાં ,
પુષ્પો એ જ એકાંત,
અને ઝરણાં એ જ ત્રુષા ......

* રોગી :--- પોતાના રોગના કારણે દુખી છે ,
ગરીબ :--- પોતાની ગરીબીના કારણે દુખી છે ,
અભણ : --- પોતાની નિરક્ષરતાને કારણે દુખી છે ;
પરંતુ તંદુરસ્ત શ્રીમંત એવો વિદ્વાન પોતાના જ
મનના કારણે દુખી છે . .....કરવું શું ?

* સમેતશિખરની યાત્રાએ જવું છે ને ? ટ્રેન તૈયાર છે .
આંદામાન - નિકોબારની યાત્રાએ જવું છે ને ?
સ્ટીમર તૈયાર છે . અમેરિકાની યાત્રાએ જવું છે ને ?
પ્લેન તૈયાર છે . પરંતુ જાતને શોધવાની યાત્રાએ
જો જવું છે તો ત્યાં ટ્રેન , સ્ટીમર કે પ્લેન કઈ કામ લાગે
તેમ નથી. એ યાત્રા પર જઈ શકાય છે માત્ર ને માત્ર
શ્રદ્ધા , સમર્પણ , અને સત્વના સહારે !!!!!!!!

* જેના સેવન માટે આ જગતનો બહુજનવર્ગ " હા "
પાડતો હોય એના સેવન માટે "ના "
પાડવાની હિંમત કેળવ્યા વિના અને જેના સેવન
માટે આ જગતનો બહુજનવર્ગ "ના" પાડતો હોય
એના સેવન માટે "હા" પાડવાની હિંમત કેળવ્યા
વિના ધર્મના જગતમાં આપણે મર્દાનગીપૂર્વક અને
પ્રસન્નતાપૂર્વક ટકી શકીએ એવી કોઈ શક્યતા નથી .

* અચાનક ક્યાંક પ્રગટતી જતી આગ , એ માત્ર સમસ્યા નથી ,
સંદેશ પણ છે :-"- મારી નજીક આવશો નહી, સળગાવી નાખીશ "
નિમિત્તને કારણે મનમાં પ્રગટી જતો ક્રોધ એ આપણા માટે ન
કેવળ સમસ્યા છે , સંદેશ પણ છે ," જ્યાં સુધી તું મને સંઘરી
રાખીશ ત્યાં સુધી તારી બાજુમાં હું કોઈને આવવા નહી દઉં."

* દૂધનું દહીમાં રૂપાંતરણ ત્યારે જ શક્ય બને છે કે જયારે
દુધમાં દહીંનો અંશ ભેળવવામાં આવે છે . આપણા આત્માને
આપણે સાચે જ જો પરમાત્મા બનાવવા માંગીએ છીએ તો
એનો એક માત્ર વિકલ્પ આ જ છે . પ્રભુ જે છે , પ્રભુ પાસે
જે છે , પ્રભુમાં જે છે એનો અંશ આપણામાં આપણે ભેળવતા
રહીએ તો - સફળતા નક્કી જ છે. કોઈ શંકા જ નથી .

* કહેવાતા મોટા માણસના ઘરે આવવાનું આમંત્રણ આપી આવો .
એ આમંત્રણનો સ્વીકાર થતાવેંત ઘરને સાફ કરી દેવું પડે છે .
"પ્રભુને આવો મન મંદિરીયે' નું આપણે આમંત્રણ તો આપીએ છીએ
પરંતુ જે મનમાં આપણે પ્રભુને બિરાજમાન કરવા ધારીએ છીએ
એ મનને સાફ કરી દેવા આપણે તત્પર અને તૈયાર છીએ ખરા ?

* અરે અલ્યા અહંકાર !
તારા અસ્તિત્ત્વને ટકાવવા ખાતર તું છેક મરવા તૈયાર
થઈ જાય છે , એની તો મને ખબર છે , પણ હું તને એક
મહત્વની વાત એ કરવા માંગું છું કે મરવાને બદલે જો
તું ઝૂકવા તૈયાર થઈ જાય તો તારા અસ્તિત્વને ચાર
ચાંદ લાગી જાય .

* નબળા પેટે દૂધપાકનું ભોજન જેટલું જોખમી બની શકે છે ,
એના કરતા કૃપણ હૈયે સંપતી અનેકગણી જોખમી બની
શકે છે ! દૂધપાકનું લોહી બને છે ---સબળ પેટે !!
શ્રીમંતાઈ તારક બને છે ......ઉદાર હૈયે !!!!!

* પરમાત્માને કો' કે પૂછેલુ કે : - હે પ્રભુ આપને કોણ ખરીદી શકે ?
ત્યારે પરમાત્માએ જવાબ આપેલો કે ' જેની પાસે પૈસા નહી હોય
એ મને ખરીદી શકશે !!!!!!!!!!
ક્યાંક વાચવા મળેલું આ વાક્ય આપણને ઘણું કહી જાય છે .

* પોતાની શક્તિથી કે સંપતિથી , સમૃદ્ધિથી કે સુખથી
સામાને પ્રભાવિત કરી દેવામાં સફળ બનવું એ કઈ
બહુ મહત્વની વાત નથી . મહત્વની વાત તો એ છે કે
તમારી પાસે રહેલ શક્તિ , સંપતી , સમૃદ્ધિ અને સુખ
તમે સામાના અંધકારમય જીવનને પ્રકાશિત કરી
દેવામાં સફળ બનો ...પૂછજો અંત:કરણને. રસ શેનો છે .
સામાને પ્રભવિત કરવાનો કે પ્રકાશિત કરવાનો .

* સમુદ્રનું જળ લેતા કાળા બની જતા વાદળા વરસતી
વખતે સફેદ બની જાય છે એ હકીકત શું એમ નથી
જણાવતી કે લેનારો કાળો બને છે !! અને આપનારો
સફેદ બને છે !!
લઈને કાળા બની જ ગયા હો તોય છેવટે આપીને
સફેદ બની જાઓ !!!!!!!

* પડછાયો એ જો ક્યાંક પ્રકાશ હોવાની જાહેરાત છે , ધુમાડો
એ જો ક્યાંક આગ હોવાની જાહેરાત છે , સુવાસની અનુભૂતિ
એ જો ક્યાંક પુષ્પ હોવાની જાહેરાત છે , તો ગલત કાર્યના
સેવન પહેલા , સેવન વખતે કે સેવન પછી અનુભવતો
અંત:કારણનો ડંખ એ શાણપણ , ડહાપણ અને બાળપણ
હાજર હોવાની જાહેરાત છે .

* તૃષા પાણીથી જ છીપાય છે , પેટ્રોલથી નહી . મંજિલ
ચાલવાથી જ આવે છે , બેસી રહેવાથી નહી . ગળપણનો
અનુભવ સાકરથી જ થાય છે , લીમડાથી નહી . ઠંડક પણ
પવનથી જ અનુભવાય છે , અગ્નિથી નહી . આ તમામ
પ્રકારની જાણકારી ધરાવતો માણસ "સુખ ધર્મથી જ મળે
છે , પાપથી નહી " આ જાણકારી ધરાવવાના ક્ષત્રે જયારે
કંગાળ હોવાનું જોવા મળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થવાય છે .

* દરેક માં ની છે એક ફરિયાદ,
કે લગ્ન પછી દીકરો નહિ કરતો એને યાદ,
જે માં એ કર્યું છે એનું જીવન આબાદ,
તેનું જીવન શું કામ કરતો હશે એ બરબાદ?.....

હું તો મારી મોમ ને ખુબજ પ્રેમ કરું છુ
શું તમેં કરો છો કે પછી આ વાક્ય સાચું પૂરવાર કરો.....છો

* આજે ના જાણે કેમ આંખમાં પાણી આવી ગયુ,
પોસ્ટ લખતા લખતા સપનુ આવી ગયુ,
મળવા ની ઈચ્છા હતી દોસ્ત તમને ,
પણ આંસુ માં તમે નજર આવી ગયા..........

* ઈસ્લામમાં જણાવ્યા અનુસાર, મનુષ્યો પોતાના કુકર્મો માટે સ્વયં જવાબદાર છે, કારણ કે કર્મ કરવા કે ન કરવાનો નિર્ણય ઈશ્વર એમને જ જાતે જ લેવા દે છે. એમના કુકર્મો વિશે ઈશ્વરને પહેલેથી જ ખબર હોય છે.
- પવિત્ર કુરાન

* પ્રશ્ન :- શ્રદ્ધા કોનું નામ કહેવાય ?
જવાબ :- સાદી ભાષમાં કહું તો ન દેખાતા પરિબળોને જાણવા
મેળવવા કે અનુભવવા દેખતા પરિબળોને છોડી દેવાની
જે તાકાત એનું નામ છે શ્રદ્ધા .

* સાપની દાઢમાં રહેલું ઝેર ગમે તેટલું ખરાબ હોય તોય
આપણી પાસે જો એના મસ્તક પર રહેલો મણી હોય તો
ડરવાની કોઈ જરૂર નથી ....
સંસારના પદાર્થો પરના રાગના ઝેરની સામે વીતરાગ
પરના રાગનો મણી મેળવી લો ! બેડો પર થઈ જશે .


* બરફ મજબુત ક્યાં સુધી ? એને ગરમી નથી મળી ત્યાં સુધી !
બિલાડી ડાહી ક્યાં સુધી ? એની આંખ સામે ઉંદર નથી આવ્યો
ત્યાં સુધી ! પાણીનું સીધું વહેવાનું ક્યાં સુધી ? એની સામે ઢાળ
નથી આવ્યો ત્યાં સુધી ! બસ, એ જ ન્યાયે મન ડાહ્યું -ડમરું
ક્યાં સુધી ? જ્યાં સુધી એની સામે પ્રલોભન નથી આવું ત્યાં સુધી !

* જેની પાસે ગલત - સમ્યકની જાણકારી જ નથી એને મુર્ખ
કહી શકાય ; પરંતુ એ જાણકારી હોવા છતાં - અનુકુળ ..
સંયોગ - સામગ્રી અને શક્તિ છતાં - જો એના અમલ માટે
મન તૈયાર નથી તો એને મુર્ખ નહી પણ મૂઢ જ કહેવો પડે .

* લાગણી હોવા છતાં કોક ને કોક કારણસર એને વ્યક્ત થવા
ન દેવાના કારણે કેટલાય સંબંધો કડવા વખ જેવા બની ગયા
છે . લાગણી તો ઘંટ જેવી છે . મંદિરમાં ઘંટ હોવા છતાં જો એને
વગાડવામાં નથી આવતો તો ઘંટનો હોવાનો ખ્યાલ નથી આવતો
ઘંટની સાર્થકતા એનો રણકાર સંભળાતો રહે એમાં છે .જો એનો
રણકાર સંભળાતો જ હોય તો એનું હોવું એ ન હોવા બરાબર છે .

* ભગવાન કહે માણસ ને ,
જો તું એમ કહે કે આ મારું , આ મારું ,
તો હું તને ’મારું’(મારવું)
પણ જો એક વાર તું દિલ થી કોઈને કહી દે
જા, આ તારું
તો હું તને ”તારું” (જીવનનો ઉદ્ધાર કરવો)

* જગતમાં મહાન મહાનુભાવો બની શક્યા છે, કારણ કે તેઓએ સ્વપ્નો જોયાં છે.તે જોયાં પછી તેઓનો પહેલો પ્રશ્ન હોય છે: “શા માટે?” અને બીજો પ્રશ્ન હોય છે:”કઈ રીતે?”…..વિચારજો ….

* અમુક લોકો ઇર્ષા ને સંતોષવા સફળતા ના નશા વગર ના સફળ માણસ ની પાછળ ડંડો લઇ ને ફરતા હોઇ છે, પરંતુ બીજા કરતા તે પોતાની ભૂલો શોધી લે તો કોઇ ની પાછળ ડંડો લેવા ની જરૂર્ જ ન પડે, આપ ભલા તો જગ ભલા નહિતર બધી જ બલા.....


*મન એક સારું દર્પણ છે એના પર ધૂળ ન લાગે તેને માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. આપની પાસે પૂરી માહિતી ન હોય ત્યાં સુધી મનને શાંત રાખવું અને ઉતાવળે નિર્ણય ન લેવો.

*એ વાત સાચી છે કે દાનની રકમ તમારા આવકવેરામાંથી બાદ થાય છે. મુશ્કેલી એ છે કે તે રકમ તમારી આવકમાંથી પણ બાદ થતી હોય છે.

*તમને પારકે ભાણે લાડુ મોટો દેખાતો હોય તો, એને પચાવવાની ચિંતા પણ એને જ કરવા દો.

*મોહ...અને ઈર્ષા ...? જો ભાઈ... આ ફેસબુક કે ટ્વીટર પર આપણાં કેટલા મિત્રો
કે ફોલોઅર છે તેનો આંકડો દેખી ગલગલીયા થતા હોય તો તેને મોહ કહેવાય અને બીજા
કરતા ઓછા છે તેમ લાગે અને જેની આવે તેની request પ્રોફાઈલ વાંચ્યા વગર
એક્સેપ્ટ કરતા રહીએ તેને ઈર્ષા કહેવાય..

* ભગવાન

એક અદ્રશ્ય પરિવાર છે જ્યારે આપણા માતા-પિતા (પરિવાર) એક જોઈ શકાય તેવા
ભગવાન છે, જો તમે આ દેખી શકાય એવા ભગવાનની (માતા-પિતાની) સંભાળ રાખશો તો
અદ્રશ્ય પરિવાર (ભગવાન) તમારી સંભાળ રાખશે..


* કુવામાં જેવો અવાજ કરવામાં આવે તેવો જ ૫ડધો ૫ડે છે.
આ સંસાર ૫ણ કૂવા જેવો જ છે.
માણસ જેવું વિચારે છે એવી જ પ્રતિક્રિયા વાતાવરણમાં થાય છે.
માણસ જેવું વિચારે છે એવું જ એની આજુબાજુનું વાતાવરણ બની જાય છે.
મનુષ્યના વિચારો શક્તિશાળી ચુંબક જેવા છે. તે સમાનધર્મી વિચારોને પોતાની તરફ ખેંચે છે.....

* જે વસ્તુ જીવનમાંથી વિદાય લે છે તે ‘મહાન’ લાગવા માંડે છે. સૌથી પહેલાં બાળપણ પૂરું થાય છે, તેથી મોટા થયા બાદ લાગે છે કે બાળપણમાં શું મજા હતી ! એ પછી માતાપિતા વિદાય લે છે ત્યારે તેમની મહાનતાનો ખ્યાલ આવે છે. ત્યારબાદ ક્રમશઃ મિત્રો, પોતાનું પ્રિય સ્વજન વગેરે સૌ ધીમે ધીમે વિદાય લે છે. ત્યારે એ સૌનો આપણા જીવન સાથેનો સંબંધ ખ્યાલ આવે છે. છેલ્લે જીવન વિદાય લે છે ત્યારે ભાન થાય છે કે ઓહ! આ મનુષ્ય જીવન તો કેટલું અદ્દભુત હતું !


* દુનિયા ગજબ છે ! બાળપણમાં ઘડીકમાં બધુ ભૂલી જવાય છે તો દુનિયા કહે છે કે
યાદ રાખતા શીખો. ઘડપણમાં બધું યાદ આવ્યા કરે છે ત્યારે લોકો કહે છે કે
ભૂલતા શીખો તો સુખી થશો ! ખરું કહેવાય

* ભગવાન ને લખેલો એક નાનકડો પત્ર.

હે પ્રભુ,
દુનિયામા જેટલા પણ લોકો બે-પગા છે ,
જોને એમના દિલમાં કેટલા દગા છે.
સુખ તો ઘણા આપ્યા એક ખુશી આપી દે,
નાવ તો ઘણી આપી એક નાવિક આપી દે,
મિત્રો ઘણા આપ્યા એક હમસફર આપી દે,
દુઃખ તો ઘણા આપ્યા એક હમદર્દ આપી દે,
જીંદગી તો ઘણી આપી એક જીવ આપી દે,
ન કાંઇ આપી શકે તો છેલ્લે,
નીંદર તો ઘણી આપી એક " મોત " આપી દે....

* આ દુનિયામાં પ્રેમથી મહાન બીજો કોઈ ચમત્કાર નથી.લોખંડના ટુકડામાંથી સોનું
બની જાય એ ચમત્કાર છે પણ લોખંડ જેવું કઠોર હૈયું પ્રેમને લીધે મલમલ જેવું
મુલાયમ બની જાય એ એના કરતાં મહાન ચમત્કાર છે


* પતિ અને પત્ની બંને લીવર અને કીડની જેવા છે.
પતિ લીવર છે તો પત્ની કીડની છે.
જો લીવર ફેઈલ થઇ જાય તો,કીડની પણ ફેઈલ ,પણ
જો કીડની ફેઈલ થાય તો,લીવર બીજી કીડની વડે ચાલી જાય છે.-સુસ્મીન ગાંધી.


* બરફી એને કહેવાયી છે જે કડવાશને દુર કરે,
પુષ્પ એને કહેવાયી છે જે દુર્ગંધને દુર કરે,
પ્રકાશ એને કહેવાયી છે જે અંધકારને દુર કરે અને
સુખ એને પ્રાપ્ત થાયી છે જે મનમાંથી સરખામણી કરવાનો વિચાર દુર કરે છે

* જે રસ્તા પર કાદવ પુષ્કળ હોઇ છે
ત્યાં આપને પગ સાચવીને મૂકીએ છીએ,
જે વાતાવરણમાં ધૂળ પુષ્કળ હોઈ છે
એ વાતાવરણમાં આંખ સાચવીને ખોલીએ છીએ,
જે છોડ પર કાંટાઓ ચિક્કાર હોઈ છે
એ છોડ પર હાથ સાચવીને મુકીએ છી તો
કોઇને માટે ખરાબ શબ્દો કે ખરાબ વાક્ય ઉચ્ચારતા પહેલા
કેમ વિચારતા નથી.

* બે પગ વચ્ચે કેટલી જબરજસ્ત મૈત્રી છે ? એક પગ આગળ જાય છે તો બીજો પગ ખુશીથી પાછળ રહે છે.......બીજો પગ આગળ આવે છે તો પહેલો પગ ખુશીથી પાછળ રહે છે.........આવી મૈત્રી જો જગતના જીવો અપનાવા માંડે તો ઈર્ષા --- સ્પર્ધાના પાપને આપઘાત જ કરવો પડે

* કવિ કવિતાની નીચે પોતાનું નામ લખે છે,
ચિત્રકાર કલાકૃતિની નીચે પણ પોતાનું નામ લખે છે,
પણ ભગવાન મહાન કલાકાર છે, એ માનવીને સર્જે છે પણ માનવી નીચે પોતાનું નામ નથી લખતો…
પરંતુ, મા તો ભગવાનથી પણ મહાન છે કારણકે એ સંતાન ને જન્મ આપે છે છતાં નામ પિતાનું આપે છે.”

* મૃગજળ ની પાછળ ના ભાગો.....એ તો આભાસ હોય છે
સ્વપ્ન ની પાછળ ના ભાગો ......એ તો એક એહસાસ હોય છે
દોસ્તો .....સુંદરતા ની પાછળ ના ભાગો
.....એ તો દેખાવ જ હોય છે.

* સીડી કે કેસેટમાં આપણે જાણતા હોઈએ છીએ કે હવે આ ગીત આવશે, જયારે રેડીઓમાં અચાનક ગમતા ગીતનું આગમન થાય છે ને પછી તો... ચોતરફ ગુલાલ જ ગુલાલ ! સસ્પેન્સનો આ રોમાંચ, સીડી કે કેસેટમાં નથી રહેતો ! જીવનમાં કદાચ એટલે જ ભવિષ્યને રહસ્યમય રાખવામાં આવ્યું હશે !

* દયા અને કરૂણામાં તફાવત છે. તમે શિયાળાની રાત્રે તમારી કારમાં બેસીને જતા હો અને ફૂટપાથ પર કોઇ ગરીબ કડકડતી ઠંડીમાં ધ્રૂજતો હોય અને ગાડીમાં બેઠાં બેઠાં વિચાર કરો કે પેલો ગરીબ ઠંડીમાં કેવો ધ્રૂજે છે ? તો એ દયા છે. પરંતુ દયા જ્યારે ક્રિયાનું રૂપ ધારણ કરે, ગાડી ઉભી રાખીને તમારી શાલ એ ગરીબને ઓઢાડી દો ત્યારે દયા કરૂણા બની જાય છે

* જ્યારે સેવાભાવી સંસ્થાઓની બહેનો દ્વારા જેલના કેદીઓને રાખડી બાંધવામાં આવે છે ત્યારે એ સાબિત થાય છે કે રાખડી એ ગમે તેવી કઠોર હૃદયની વ્યક્તિને પણ પીગળાવી શકે છે. જેલના કેદીઓ કે જેમના હાથ કદી ખૂન કે લૂટ કરતાં ધ્રૂજતા નથી તે હાથ પર જ્યારે બહેન દ્વારા રાખડી બંધાય છે ત્યારે તે હાથ કંપી ઉઠે છે. કેદીઓના જે શેતાની સ્વભાવને પોલીસ...ની છડી નમાવી શકતી નથી તેને રાખડીની બારીક દોરી નમાવે છે.